મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાની ભાડથર બેઠક પર મોટો ઊલટફેર, ભાજપને પછાડી 'આપ'ના વીરુ કંડોરીયાની જીત

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાની ભાડથર બેઠક પર મોટો ઊલટફેર, ભાજપને પછાડી 'આપ'ના વીરુ કંડોરીયાની જીત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ભારે રસાકસી અને ત્રિપાંખિયા જંગ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીની મતગણતરીના અંતે આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર વીરુ કંડોરિયાએ પોતાના હરીફ ભાજપના ઉમેદવાર માલતીબહેન કંડોરિયાને 3651 મતની સરસાઈથી પરાજિત કરીને ભવ્ય વિજય મેળવ્યો છે. ભાડથર બેઠક પર સત્તાપલટો થતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપ ખેમામાં સોંપો પડી ગયો છે.

બેઠક ખાલી પડતાં યોજાઈ હતી પેટાચૂંટણી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 3-ભાડથર બેઠકના અગાઉના સદસ્ય ડૉ. પી.વી. કંડોરિયાના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. આ ખાલી પડેલી બેઠક માટે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો અને પ્રતિષ્ઠાનો જંગ હોવાથી ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને આપના મોભીઓ તથા મોટા નેતાઓના ધાડા ભાડથરમાં ઉતરી પડ્યા હતા.

જિલ્લા પંચાયત ભવન ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી મતગણતરીના પહેલા રાઉન્ડથી જ 'આપ'ના ઉમેદવાર વીરુ કંડોરિયા સતત આગળ રહ્યા હતા.

મતગણતરીના આંકડા અને પરિણામ
•વીરુ કંડોરિયા (આમ આદમી પાર્ટી): 7,146 મત (વિજેતા)
•માલતીબહેન પરબત કંડોરિયા (ભાજપ): 3,495 મત
•આલા પિંડારિયા (કોંગ્રેસ): 521 મત
•નોટા (NOTA): 99 મત

મહત્ત્વની બાબત એ રહી કે, જીતનો દાવો કરી રહેલા ભાજપને જેટલા કુલ મત મળ્યા છે, તેનાથી વધુ લીડ (3,651 મત) 'આપ'ના ઉમેદવારે મેળવી હતી.

અણધાર્યા પરિણામ પાછળનું મુખ્ય કારણ

સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યંત ઓછો વરસાદ પડવાને કારણે ખેડૂતો અને ગ્રામજનો વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શાસક પક્ષ દ્વારા પૂરતા રાહત પગલાં ન લેવાયા હોવાના આક્રોશ વચ્ચે ગ્રામજનોએ સત્તાપલટો કરીને 'આપ'ના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવાર વીરુભાઈ કંડોરીયા અને તેમના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ વિજય બદલ 'આપ'ના પ્રદેશ નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા સહિતના હોદ્દેદારોએ તેમને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા.

 

આ સમાચાર શેર કરો