સુરતમાં મેઘરાજાની એન્ટ્રી સાથે જ પાલિકાની પોલ ખુલી, રોડ પર ખૂંપી ગયુ રેતી ભરેલુ ડમ્પર
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધીમા પગલે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ઉનાળાથી પ્રી-મોન્સૂન કામગીરીના

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધીમા પગલે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ઉનાળાથી પ્રી-મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકતી પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. હળવા વરસાદમાં જ રસ્તા જાણે પોલા બની ગયા હોય તેવું સામે આવ્યું છે. રસ્તા બેસી જતાં એક ડમ્પર ફસાઈ ગયું હતું. જેથી રસ્તો એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી.
રેત ભરેલું ડમ્પર અટવાયું
ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ જાણે રૂ જેવા પોલા બન્યા હોય તેમ સામે આવ્યું છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે. ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. અડાજણમાં રેતી ભરેલ ડમ્પરનું ટાયર 3 ફૂટ અંદર બેસી ગયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી.
ભારે વરસાદમાં શું થશે?
સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલું ડમ્પર એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. વરસાદના કારણે રોડ નબળો પડી ગયો હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. જો કે, લોકો પૂછી રહ્યા છે કે, હળવા વરસાદમાં આ હાલત છે તો ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે.








