ગુજરાતમાં ક્લીનસ્વિપની હેટ્રિંક કરી શકશે ભાજપ? કોંગ્રેસ-AAP ગઠબંધનની કેટલી અસર થશે
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થશે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થશે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને અપાર સમર્થન મળે છે, જેને કારણે ભાજપ અહીં 2014 અને 2019માં તમામ 26 બેઠક જીતવામાં સફળ રહ્યુ હતું. આ વખતે ભાજપે ચૂંટણી પહેલા જ એક બેઠક (સુરત) બિન હરીફ જીતી લીધી છે. ભાજપ પીએમ મોદીની લોકપ્રિયતા અને 2022માં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનના દમ પર હેટ્રિંક નોંધાવવાની આશા કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના દમ પર સફળતા મેળવવાની આશા વ્યક્ત કરી રહ્યું છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં 156 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠક મળી હતી.
ગુજરાત ભાજપનો ગઢ
ગુજરાતના રાજકારણને સમજવા માટે ઇતિહાસ જાણવો પડશે. 1984માં કોંગ્રેસે ગુજરાતમાં 24 બેઠક જીતી હતી જ્યારે ભાજપ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહ્યું હતું. આ ભારે સમર્થન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિના રૂપમાં મળ્યું હતું. 1984 બાદથી દરેક ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતા વધુ બેઠક જીતી હતી. 1989ની વાત કરીએ તો ભાજપે 12, જનતા દળે 11 અને કોંગ્રેસે ત્રણ બેઠક જીતી હતી. જ્યારે 1991ની ચૂંટણીમાં ભાજપે 26માંથી 20 બેઠક જીતી હતી. 2004 અને 2009માં જ્યારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધને લોકસભા ચૂંટણી જીતી હતી તો કોંગ્રેસને 12 અને 11 બેઠક મળી હતી. જ્યારે ભાજપે 2004માં 14 અને 2009માં 15 બેઠક જીતી હતી. 2014 અને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપે દરેક બેઠક પર 5 લાખ મતના અંતરથી જીતનો ટાર્ગેટ રાખ્યો
કોંગ્રેસે 1984માં 53 ટકા મત મેળવ્યા હતા જે 2004માં ઘટીને 43 અને 2009માં 44 ટકા રહી ગયા હતા. ભાજપને 1984માં 19 ટકા મત મળ્યા હતા જે 2004 અને 2009ની ચૂંટણીમાં 47 ટકા થઇ ગયા હતા. 2019માં ગુજરાત તે 4 રાજ્યમાં સામેલ હતું જ્યા ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી અને 50 ટકા કરતા વધુ વોટ શેર મેળવ્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે 2.5 લાખથી વધુના અંતરથી 18 બેઠક જીતી હતી. આ વખતે ભાજપે દરેક બેઠક પર 5 લાખ મતથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.
KHAM મતના સહારે કોંગ્રેસ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિરોધ થઇ રહ્યો છે. ક્ષત્રિયો રૂપાલાના નિવેદન બાદ ભાજપથી નારાજ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 66 ટકા પાટીદારો અને 65 ટકા ક્ષત્રિયોએ ભાજપને મત આપ્યો હતો. ગુજરાતમાં પટેલ ભાજપના પારંપરિક સમર્થક રહ્યાં છે. 1980ના દાયકામાં કોંગ્રેસના KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ના ક્ષત્રિય છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપમાં જતા રહ્યાં હતા. આ વિવાદને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે અસંતોષનો ફાયદો ઉઠાવીને KHAM વોટને ફરી મેળવવાની આશા કરી રહ્યું છે.
AAP-કોંગ્રેસને ગઠબંધનથી આશા
રાજકીય જાણકારોનું કહેવું છે કે AAP સાથે ગઠબંધનથી પારંપરિક વોટ બેન્કને મજબૂત કરવા અને અનામત બેઠકો પર સારૂ પ્રદર્શન કરવામાં કોંગ્રેસને મદદ મળશે. આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં 2 બેઠક પર ચૂંટણી લડી રહી છે જ્યારે કોંગ્રેસ 24 બેઠક પર ચૂંટણી લડી રહી છે. ભાજપ તરફથી વર્તમાન સાંસદ અને વડોદરાથી ઉમેદવારો રંજન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી હતી. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટ બદલીને મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી.








