VIDEO: આ મોત માટે જવાબદાર કોણ? પાણી ભરેલા ખાડામાં આધેડ બાઈક સાથે ડૂબ્યા
અમદાવાદમાં બુધવારે (25મી જૂન) ભારે ગાજવીજ અને વીજ કડાકા
અમદાવાદમાં બુધવારે (25મી જૂન) ભારે ગાજવીજ અને વીજ કડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મણિનગર વિસ્તારમાં સાંજે 7થી 8 વાગ્યા દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે ઓઢવમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ઓઢવમાં બાઈક સાથે આધેડ પાણીમાં ગરકાવ
ઓઢવના અંબિકાનગર નજીક ડ્રેનેજલાઈનમાં એક આધેડ બાઈક સાથે ગરકાવ થયા હતા. ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ કરતા ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી આધેડનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા, જેમાં આધેડ બાઈક સાથેડ્રેનેજ લાઇનમાં પડી જાય છે. એવામાં અમદાવાદની મહાનગર પાલિકાની કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. મૃતકની ઓળખ 45 વર્ષીય મનુભાઈ પંચાલ તરીકે થઈ છે.
તંત્રએ આડેધડ રસ્તા પરની ગટરો ખોલી નાખી
દર વર્ષે જેમ ચોમાસામાં પ્રિ-મોન્સૂનની નબળી કામગીરીના કારણે અમદાવાદનો વિકાસ છતો થાય છે. કંઈક આવી જ ઘટના આ વર્ષે પણ જોવા મળી હતી. એકબાજુ વરસાદના પાણી ઓસરી નહતા રહ્યા ત્યાં બીજી બાજું તંત્રએ આડેધડ જાહેર રસ્તાની ગટરો ખોલી નાખી હતી. આ ઉપરાંત ગટરની આગળ કોઈ બેરિકેટ્સ પણ લગાવવામાં નહતા આવ્યા.
ઘૂંટણસમા પાણીમાં ખુલ્લી ગટર બની શકે છે મોતનું કારણ
ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં લોકોને આ ખુલ્લી ગટરો દેખાય એમ નથી. જેનો ભોગ ઓઢવમાં આ આધેડ બન્યા હતા. જો કે, આ વિશે તંત્ર દ્વારા ન તો હજુ સુધી કોઈ જવાબદારી લેવામાં આવી છે, ન તો આધેડ માટે કોઈ સાંત્વના પાઠવવામાં આવી છે. આ નઘરોળ તંત્રના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજું તો અષાઢની શરૂઆત છે. મુખ્ય ચોમાસી વરસાદમાં તંત્રના ભોગે આવા અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે.
4 ઈંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના અમદાવાદના પૂર્વ અને પશ્મિમના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના મોટેરા, ઝુંડાલ, ચાંદખેડા, રાણીપ, જગતપુર, ગોતા, ન્યુ રાણીપમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પૂર્વના મણિનગર, રખિયાલ, અમરાઈવાડી, વસ્ત્રાલમાં પણ અનાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ જળમગ્ન થયા હતા. ભારે વરસાદથખી ખોખરા, જશોદાનગર, હાટકેશ્વક સર્કલ અને CTM તરફનો રસ્તો બેટમાં ફેરવાયો હતો.







