મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેરાલુમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ લાગતાં ઘઉંનો પાક બળીને ખાખ, ખેડૂતને મોટું નુકસાન થતાં વળતરની માગ

મહેસાણાના ખેરાલુના ચોટીયા ગામમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ લાગી હતી

મહેસાણાના ખેરાલુના ચોટીયા ગામમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ લાગી હતી અને તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. વહેલી સવારે વાવાઝોડાને કારણે વીજ લાઈનમાં તણખા ઝરતા 2 વીઘામાં લણણી કરેલો અંદાજે 65 મણ ઘઉંનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં ખેડૂતને 70 હજારથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ પીડિત ખેડૂતે સરકાર પાસે વળતરની માંગ કરી છે.

શોર્ટ સર્કિટના તણખા ઘઉંના પાક પર પડ્યા

મળતી માહિતી મુજબ ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો. જોકે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના બે વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હોવાથી તણખા ઝરતા હતા. આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક પર પડ્યા હતા.

આ ઘટના અંગે ગામના સરપંચ દ્વારા GEBને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. એક તરફ ખેતીમાં મોંઘા બિયારણ અને મહેનત બાદ પાક તૈયાર થયો હતો. ત્યારે આ ઘટનાને કારણે ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. હવે ખેડૂત સરકાર અને તંત્ર પાસે યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે.

આ સમાચાર શેર કરો