Video/ ઉનાળા પૂર્વે જ વઢવાણમાં જળ સંકટ: 6 દિવસથી પાણી ન મળતા મહિલાઓનો મોડી રાત્રે હલ્લાબોલ
સુરેન્દ્રનગર: હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં
સુરેન્દ્રનગર: હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ, ત્યાં સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં પીવાના પાણી માટે હાહાકાર મચી ગયો છે. વઢવાણના રહેવાસીઓ છેલ્લા એક અઠવાડિયાથી ટીપાં ટીપાં પાણી માટે તરસતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોડી રાત્રે રણચંડી બની મહિલાઓ
વઢવાણના શિયાણીની પોળ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી પાણીનું વિતરણ ન થતા પરિસ્થિતિ સ્ફોટક બની છે. મહાનગરપાલિકાની આ નિષ્ફળતા સામે મોડી રાત્રે સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાણીના અભાવે ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ ગઈ છે.
તંત્રની ઉદાસીનતા: ડેમ ભરેલો પણ નળ કોરા
આશ્ચર્યની વાત એ છે કે એક બાજુ ધોળીધજા ડેમમાં 16 ફૂટ જેટલી પાણીની સપાટી ઉપલબ્ધ છે, છતાં વઢવાણના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાની વિતરણ વ્યવસ્થામાં ગંભીર ખામી છે. લોકો મોંઘા ભાવનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે. જ્યારથી વઢવાણનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, ત્યારથી પાયાની સુવિધાઓની સમસ્યાઓ વધુ વકરી છે.
મહાનગરપાલિકા સામે સવાલો
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ફેબ્રુઆરી મહિનામાં જ આવી સ્થિતિ હોય, તો એપ્રિલ-મે મહિનાની કાળઝાળ ગરમીમાં વઢવાણની હાલત શું થશે? શું મહાનગરપાલિકા આ વિતરણ વ્યવસ્થા સુધારશે કે પછી જનતાએ આખું વર્ષ પાણી માટે વલખાં મારવા પડશે?








