ગામમાં જવા રોડ નથી તો ગ્રામજનોએ જ ઉપાડ્યા ત્રિકમ-પાવડા, હવે જાત મહેનતથી બનાવશે કાચો રસ્તો
ગુજરાતમાં વિકાસની દુહાઈઓ દેશ દુનિયામાં અપાઈ રહી છે. પરંતુ ગુજરાતના ઘણા ગામો હજુ એવા

ગુજરાતમાં વિકાસની દુહાઈઓ દેશ દુનિયામાં અપાઈ રહી છે. પરંતુ ગુજરાતના ઘણા ગામો હજુ એવા છે.જ્યાં પાકા રસ્તાઓ પણ આઝાદીના આટલા વર્ષે પણ બન્યા નથી. ત્યારે નસવાડી તાલુકાના નિશાના ગામે હજુ પણ પાકા રસ્તા પહોંચ્યા નથી.જેથી ગામના લોકોને જાત મહેનત કરીને કાચા રસ્તા બનાવવાની ફરજ પડી રહી છે.
પાણી કોતરોમાંથી ભરવું પડે છે
નસવાડી તાલુકાના નિશાના ગામે સિંગલબાર ફળિયાના ગ્રામજનો કાચો રસ્તો જાતે બનાવવા મજબુર બન્યા છે. આઝાદીના વર્ષો વીતી જવા છતાં પ્રાથમિક સુવિધા સમાન રસ્તા, પાણીની સુવિધાનો અભાવ જોવા મળે છે. જેથી લોકોને કોતરોમાંથી પાણી ભરવા મજબૂર બનવું પડતું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
લોકો શ્રમદાન કરવા મજબૂર
નિશાના ગામના સિંગલબાર ફળિયાના પંદર ઘરની વસ્તી છે. છતાંય સરકારની નજર હજુ આ આદિવાસી ગ્રામજનો સુધી પોહચી નથી. જે સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. સુનિલ ભીલે કહ્યું કે, તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી ગ્રામજનો જાતે હાથમા ત્રિકમ, પાવડા, તગારા લઈ શ્રમદાન કરી રસ્તો બનાવવા મજબુર બન્યા છે.








