મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ સિદ્ધપુર: કેરમોલી કંપનીના દરવાજે કામદારોના ધરણા, 10 મહિનાથી ન્યાય માટે વલખાં

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી કેરમોલી ગવાર કંપની અને તેના કામદારો

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલી કેરમોલી ગવાર કંપની અને તેના કામદારો વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. છેલ્લા 10 મહિનાથી રોજગારી ગુમાવી બેઠેલા 14 જેટલા શ્રમિકોએ આજે ફેક્ટરીના દરવાજા પાસે ધરણા યોજી ન્યાયની માંગ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

કામદારોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા કંપની મેનેજમેન્ટ દ્વારા ફેક્ટરીમાં કામનું ભારણ ઓછું હોવાનું બહાનું બતાવી તમામ કામદારોને વતનમાં જવા માટે રજા આપવામાં આવી હતી. જોકે, જ્યારે આ કામદારો રજા ભોગવી પરત ફર્યા, ત્યારે કંપનીએ તેમને નોકરી પર લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

કામદારોની મુખ્ય માંગણીઓ:

છેલ્લા 10 મહિનાથી બંધ પડેલો પગાર ચૂકવવામાં આવે. સરકારી ધારાધોરણ મુજબ મળવાપાત્ર અન્ય લાભો આપવામાં આવે. તમામ અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક નોકરી પર પુનઃસ્થાપિત કરવામાં આવે.

તંત્રની ઉદાસીનતા સામે રોષ

શ્રમિકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, તેઓએ અગાઉ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી (બનાસકાંઠા વિભાગ) ખાતે પણ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં, લાંબા સમય સુધી કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા આખરે કંટાળીને આજે શ્રમિકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

કંપની મેનેજમેન્ટનો ખુલાસો

બીજી તરફ, કંપનીના મેનેજર વિનોદ મિશ્રાએ આક્ષેપોને નકારતા જણાવ્યું હતું કે, કંપનીએ કોઈને છૂટા કર્યા નથી.  અગાઉના મેનેજમેન્ટમાં ગેરરીતિઓ જણાતા જૂના મેનેજરને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. કંપનીને એક સામૂહિક ઇમેઇલ મળ્યો હતો જેમાં 14 કર્મચારીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ હતો. મેનેજમેન્ટનું કહેવું છે કે આ એક આંતરિક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે અને કામદારોના આક્ષેપો પાયાવિહોણા છે.

આ સમાચાર શેર કરો