Video/ Suratના ઘોડદોડ રોડ પર લિફ્ટનો કેબલ તૂટતા મહિલા ફસાઈ, જીવના જોખમે કરાયું રેસ્ક્યુ
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળતા ચમત્કારિક બચાવ થયો છે. નીરજ એપાર્ટમ
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળતા ચમત્કારિક બચાવ થયો છે. નીરજ એપાર્ટમેન્ટમાં લિફ્ટનો કેબલ તૂટી જતાં એક મહિલા ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ ગઈ હતી. જો લિફ્ટ છટકી ગઈ હોત તો મહિલાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.
ત્રીજા માળે ગ્રીલમાં ફસાઇ
ઘોડદોડ રોડ પર આવેલા નીરજ એપાર્ટમેન્ટમાં રહેતા સંગીતાબેન સાથે આ બનાવ બન્યો હતો. લિફ્ટમાં હતા ત્યારે અચાનક કેબલ તૂટી જતાં લિફ્ટ ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ ગઈ હતી. મહિલા આ જાળીમાં જોખમી સ્થિતિમાં ફસાયેલી હતી.
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, જો લિફ્ટ આ ગ્રીલની પકડમાંથી છટકી ગઈ હોત, તો તે નીચે ધસી પડત અને મહિલાનો જીવ જોખમમાં મુકાયો હોત.
ફાયર બ્રિગેડે જીવના જોખમે રેસ્ક્યુ કર્યું
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સૌપ્રથમ, ફાયરના જવાનોએ લિફ્ટના ઉપરના ભાગેથી મજબૂતીથી દોરડા બાંધીને તેને સપોર્ટ આપ્યો, જેથી તે વધુ નીચે ન સરકે. ત્યારબાદ, ફસાયેલી ગ્રીલ છટકાવવામાં આવી હતી. લિફ્ટ ફરીથી બેથી ત્રણ ફૂટ જેટલી નીચે ગઈ અને સ્થિર થઈ.
લિફ્ટ સ્થિર થયા બાદ ગ્રીલ ખોલીને સંગીતાબેનને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે સંગીતાબેનનો જીવ બચી ગયો હતો.







