Video/ કેશોદના ફાગળી ગામે નવા રસ્તા બાબતે ગ્રામજનોનો હલ્લાબોલ, કોર્ટ કાર્યવાહીની ચીમકી
કેશોદના ફાગળી ગામે નવા રસ્તાના નિર્માણને લઈને ગ્રામજનો અને સ્ટેટ આર

કેશોદના ફાગળી ગામે નવા રસ્તાના નિર્માણને લઈને ગ્રામજનો અને સ્ટેટ આર એન્ડ બી (R&B) વિભાગ વચ્ચે ઉગ્ર સંઘર્ષ સર્જાયો છે. એરપોર્ટના વિકાસને કારણે જૂનો રસ્તો બંધ થતા તંત્ર દ્વારા જે નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, તેનો ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. મામલો એટલો બિચક્યો હતો કે તંત્રએ પોલીસના ધાડેધાડા ઉતારી કામ શરૂ કરાવ્યું, જેના વિરોધમાં ગ્રામજનોએ હલ્લાબોલ કરતા પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે.
વિરોધનું મુખ્ય કારણ
ફાગળી ગામના મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર જે નવો રસ્તો બનાવી રહ્યું છે તેમાં 7 જેટલા ગંભીર વળાંકો આવે છે. આ રસ્તો વેરાન વગડામાંથી પસાર થતો હોવાથી રાત્રિના સમયે મહિલાઓ અને શાળાએ જતાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે.
ગ્રામજનોની માંગ છે કે, રસ્તો ટૂંકો અને સીધો બનાવવામાં આવે. ગ્રામજનોએ સૂચવેલા વૈકલ્પિક માર્ગ પર વિચાર કરવામાં આવે. તંત્ર પોતાની મનમાની છોડી લોકોની સુવિધા જુએ.
તંત્રનો પોલીસ બંદોબસ્ત અને અટકાયત
જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગે પોલીસ સુરક્ષા સાથે રસ્તાનું કામ શરૂ કર્યું, ત્યારે ગ્રામજનોએ કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓએ ઘરબાર છોડીને રસ્તા પર ધરણાં કર્યા હતા. જોકે, પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
કોર્ટ અને આંદોલનની ચીમકી
ફાગળી ગામના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર તેમની રજૂઆત નહીં સાંભળે તો તેઓ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવશે અને જરૂર પડશે તો ઉગ્ર આંદોલન છેડશે.








