મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વૌઠાનો મેળો, સપ્તનદી સંગમ પર 6 દિવસનો ધાર્મિક ઉત્સવ, ગ્રામ પંચાયતે કરી ખાસ અપીલ

ગુજરાતના સૌથી મોટા લોકમેળા તરીકે જાણીતો ધોળકા તાલુકાના વૌઠા ખાતેન

ગુજરાતના સૌથી મોટા લોકમેળા તરીકે જાણીતો ધોળકા તાલુકાના વૌઠા ખાતેનો મેળો આજે, 1 નવેમ્બર (કાર્તિકી અગિયારસ)થી વિધિવત રીતે શરૂ થઈ ગયો છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ સાધુ-સંતો દ્વારા રિબિન કાપીને મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળો સાબરમતી સહિતની સપ્તનદીઓના સંગમ સ્થાને યોજાય છે અને 6 નવેમ્બર (પૂનમ) સુધી સતત છ દિવસ-રાત ચાલશે.

વૌઠા ગ્રામ પંચાયત દ્વારા વિસ્તૃત સુવિધાઓ:

વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળો માણવા આવતા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને કોઈ હાલાકી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાઓમાં ખુલ્લા રસ્તા, વીજળી (લાઇટ), પીવાના પાણીની સુવિધા, આરોગ્ય અને પશુ દવાખાનું, 108 એમ્બ્યુલન્સ સેવા, 181 મહિલા અભયમ ટીમ અને ફાયર વિભાગની સુવિધાઓનો સમાવેશ થાય છે.

સુરક્ષા અને વ્યવસ્થાપન

મેળાનું વ્યવસ્થાપન સરળતાથી થાય તે માટે ગ્રામ પંચાયતની એક ખાસ ઓફિસ પણ મેળામાં બનાવવામાં આવી છે, જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાજર રહેશે. લોકોની ફરિયાદના નિવારણ માટે મેળામાં જ અલાયદું પોલીસ સ્ટેશન પણ ઊભું કરાયું છે.

પંચાયતનું વિશેષ આહ્વાન

વૌઠા ગ્રામ પંચાયતના આગેવાન વિક્રમસિંહ મંડોરાએ મેળો માણવા આવતા લોકોને પોતાનાં ખાનગી વાહનોને બદલે સરકારી એસટી બસ દ્વારા મેળામાં આવવા આહ્વાન કર્યું છે.

વળી, સાબરમતી નદીમાં ઉપરવાસના પાણી છોડવામાં આવ્યા હોવાથી ગ્રામ પંચાયતે લોકોને નદી કિનારે ન જવાની અને પંચાયત દ્વારા બનાવવામાં આવેલા સ્નાનઘરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ગ્રામ પંચાયતે વ્યાપારીઓને પણ મેળાને સફળ બનાવવા સહયોગ આપવા વિનંતી કરી છે.

આ સમાચાર શેર કરો