Video/ વસોની વેદ હોસ્પિટલની ઘોર બેદરકારી, ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે ઈન્જેક્શન આપતા યુવકના હાથમાં ઇન્ફેકશન
ખેડા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોની મનમાની અને તબીબી બેદરકારીના કિસ્સાઓ સ


ખેડા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોની મનમાની અને તબીબી બેદરકારીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વસોની વેદ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા અલીન્દ્રા ગામના એક ગરીબ પરિવારના આશાસ્પદ યુવક રવિ સોલંકી સાથે હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. ડોક્ટરની ગેરહાજરીમાં અપાયેલા એક ઈન્જેક્શને યુવકની જિંદગી જોખમમાં મૂકી દીધી છે.
શું છે સમગ્ર ઘટના?
અલીન્દ્રા ગામનો રહેવાસી રવિ સોલંકી ગત 31 ડિસેમ્બર 2025 ના રોજ રાત્રે 12.30 વાગ્યાના અરસામાં કમરના દુખાવાની ફરિયાદ સાથે વસોની વેદ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. તે સમયે હોસ્પિટલમાં કોઈ જવાબદાર ડોક્ટર હાજર નહોતા. ડોક્ટરની ગેરહાજરીમાં ત્યાં ફરજ બજાવતી એક નર્સ દ્વારા રવિને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. જોકે, બીજા જ દિવસથી રવિને ઈન્જેક્શનવાળી જગ્યાએ ગંભીર ઇન્ફેક્શન શરૂ થઈ ગયું હતું.
હોસ્પિટલની ઉદ્ધતાઈ અને ઓપરેશનનો ખર્ચ
ઇન્ફેક્શન વધતા પીડિત રવિ અને તેના પિતા સતિષભાઈ સોલંકીએ હોસ્પિટલના અનેક ધક્કા ખાધા હતા. આરોપ છે કે હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે યુવકને દાખલ થવાની સલાહ આપી અને છેવટે ઇન્ફેક્શન મટાડવા માટે ઓપરેશન કરાવવાની વાત કરી હતી. ગરીબ પરિવાર પાસે ઓપરેશનના લાખો રૂપિયા લાવવા ક્યાંથી? તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. વધુમાં, હોસ્પિટલ દ્વારા સારવારની ફાઈલ પણ આપવામાં આવી નથી.
તબીબી કચરો મંદિરના પરિસરમાં બાળીને પ્રદૂષણ
આ હોસ્પિટલની બીજી એક કાળી બાજુ પણ સામે આવી છે. વેદ હોસ્પિટલ દ્વારા તેમનો જીવલેણ મેડિકલ વેસ્ટ (તબીબી કચરો) નિયમ મુજબ નિકાલ કરવાને બદલે નજીકના મંદિરના પરિસરમાં જાહેરમાં બાળવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઉભું કરી રહ્યું છે.
ન્યાય માટે પોલીસના દ્વારે
છેલ્લા 8 દિવસથી રવિ કામ પર જઈ શક્યો નથી અને ઘરનો મોભી હોવાથી પરિવાર આર્થિક સંકટમાં મુકાયો છે. ખાનગી હોસ્પિટલના ખર્ચને ન પહોંચી વળતા હાલ રવિ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. પરિવારે ન્યાય માટે વસો પોલીસ સ્ટેશનમાં વેદ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી છે.
પીડિત રવિ સોલંકીના પિતા સતિષભાઈએ જણાવ્યું હતું કે, "મારા દીકરાને સામાન્ય દુખાવા માટે લાવ્યા હતા અને આજે તેને હાથ ગુમાવવાની નોબત આવી છે. ડોક્ટરો જવાબ આપતા નથી અને માત્ર રૂપિયાની જ વાત કરે છે."
હવે જોવાનું એ રહે છે કે, વારંવાર વિવાદોમાં આવતી વેદ હોસ્પિટલ સામે તંત્ર લાલ આંખ કરશે? શું આ ગરીબ પરિવારને યોગ્ય ન્યાય અને વળતર મળશે કે પછી તંત્ર ભીનું સંકેલી લેશે?








