મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ‘એસટી બસ આપો’ ના નારા સાથે નસવાડીના 70 ગામોના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

છોટાઉદેપુર (નસવાડી): વિકાસની વાતો વચ્ચે છેવાડાના માનવીની હાલાકીનો જીવતો જાગ

તસવીર: gstv

છોટાઉદેપુર (નસવાડી): વિકાસની વાતો વચ્ચે છેવાડાના માનવીની હાલાકીનો જીવતો જાગતો કિસ્સો નસવાડી તાલુકાના કુકરદા ગામે જોવા મળ્યો છે. અહીંના કુકરદા સહિત આસપાસના 70 જેટલા ગામોના લોકોએ એસટી બસની સુવિધા ન હોવાથી તંત્ર સામે મોરચો માંડ્યો છે. 15 જેટલા ગામોના સરપંચોએ લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાનો આક્ષેપ કરી ગ્રામજનોએ આગામી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાની જેમ ભરાતા લોકો

નસવાડી તાલુકાના આ વિસ્તારમાંથી દર વર્ષે હજારો મજૂરો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કામે જાય છે. એસટી બસની સીધી સુવિધાના અભાવે આ મજૂરોને ખાનગી લક્ઝરી બસો કે જીપોનો સહારો લેવો પડે છે. સ્થાનિક સરપંચના આક્ષેપ મુજબ, ખાનગી બસ સંચાલકો એક સોફામાં 4 ના બદલે 12 થી 14 લોકોને ઠાંસી-ઠાંસીને બેસાડે છે. મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવાની સાથે તેમના જીવનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. ઘણીવાર જગ્યા બાબતે મુસાફરો વચ્ચે ઝઘડાઓ પણ થતા હોય છે.

તંત્રને જગાડવા સૂત્રોચ્ચાર

કુકરદા ગામે ભેગા થયેલા ગ્રામજનોએ 'એસટી બસ આપો, કુકરદા ગામને બસ આપો'ના નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોનું કહેવું છે કે 400 કિલોમીટરની મુસાફરી ખાનગી વાહનોમાં અત્યંત કપરી બની રહી છે. જો કોઈ આકસ્મિક ઘટના બને તો સારવાર માટે 30-40 કિમી દૂર જવા માટે પણ 1000 રૂપિયા ખર્ચવા પડે છે.

ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ

15 જેટલા ગામના સરપંચોએ વડોદરા, બોડેલી અને છોટાઉદેપુર એસટી વિભાગ તેમજ ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી પત્રો લખ્યા છે. આમ છતાં આજદિન સુધી કોઈ પરિણામ ન આવતા લોકોમાં રોષ છે. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર છેવાડાના આદિવાસી માનવીની રજૂઆત નહીં સાંભળે અને સૌરાષ્ટ્રની સીધી બસ નહીં આપે, તો આગામી પંચાયતની ચૂંટણીઓમાં ગ્રામજનો મતદાનનો બહિષ્કાર કરશે.

આ સમાચાર શેર કરો