મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વિધવા માતાનો સંઘર્ષ રંગ લાવ્યો...! દાંતાના ગઢ મહુડીનો યુવાન કેવલરામ રબારી બન્યો અગ્નિવિર

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગઢ મહુડી ગામમાં હાલમાં ઉત્સવનો માહોલ છવાયો છે. ગ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ગઢ મહુડી ગામમાં હાલમાં ઉત્સવનો માહોલ છવાયો છે. ગામના રબારી સમાજના યુવક કેવલરામ રબારીએ સૈન્યમાં 'અગ્નિવિર' તરીકેની 7.5 મહિનાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતનમાં પરત ફરતા આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ છે. કેવલરામની આ સફળતા માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ એક સંઘર્ષશીલ માતાના ત્યાગ અને દ્રઢ સંકલ્પની પણ જીત છે.

સંઘર્ષમાંથી સિદ્ધિ સુધીની સફર

કેવલરામના જીવનની કહાણી સંઘર્ષ અને હિંમતનું ઉત્તમ ઉદાહરણ છે. કેવલરામ માત્ર 11 મહિનાનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. માતા ટીપુબેન રબારીએ  પરિવારનું ગુજરાન ચલાવવા અને પોતાના સંતાનોને પગભર કરવા માટે મજૂરી શરૂ કરી હતી. શરૂઆતમાં, તેઓ 45 રૂપિયાના દૈનિક વેતને સતલાસણા રોડનું કામ ચાલતું હતું, ત્યાં મજૂરી કરવા જતા હતા. એક વિધવા માતાએ કરેલા આ અથાક પરિશ્રમનું ફળ આજે તેના પુત્રની સરકારી નોકરીના રૂપમાં મળ્યું છે.

નિષ્ફળતા પછી ત્રીજા પ્રયાસે સફળતા

કેવલરામ રબારી માટે અગ્નિવિર બનવાનો માર્ગ સરળ નહોતો. અગ્નિવિરની પસંદગી પ્રક્રિયામાં તેઓ અગાઉ બે વખત પડી જવાથી નિષ્ફળ રહ્યા હતા. જોકે, તેમણે હાર ન માની અને ત્રીજા પ્રયાસે સખત મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે આ સિલેક્શન પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી.

માતાના ખભે રડીને લીધા આશીર્વાદ

ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત આવેલા કેવલરામનું ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વતનમાં પગ મૂકતા જ કેવલરામે પોતાની સૈન્યની ટોપી સૌપ્રથમ પોતાની માતા અને ભાઈને પહેરાવી હતી. ત્યાર બાદ, તેમણે પોતાની માતાના ખભે રડીને આશીર્વાદ લીધા હતા. આ દ્રશ્ય માતા-પુત્રના સ્નેહ અને ટીપુબેનના સંઘર્ષની પરાકાષ્ઠા દર્શાવતો હતો.

કેવલરામ રબારીએ પોતાની આ સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય તેમની માતા અને ભાઈને આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ માણેકનાથ દાદાના આશીર્વાદથી અગ્નિવિર બન્યા છે.

સંતો-મહંતો અને આગેવાનોની હાજરી

કેવલરામની આ સિદ્ધિના ઉત્સવમાં આખા ગામની સાથે વિવિધ સંતો અને આગેવાનો પણ જોડાયા હતા. જેમાં મહંત શ્રી બાલક દાસ મહારાજ, ઇસ્બોર મહાદેવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આખા ગામમાં છવાયેલો ઉત્સવનો માહોલ કેવલરામની સિદ્ધિ અને માતાના ત્યાગ પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે.

આ સમાચાર શેર કરો