મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ભાભરમાં 'જમાઈ બન્યો જમ'! સામાજિક માથાકૂટમાં સાસુની હત્યા કરી 

ભાભર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છ

ભાભર તાલુકાના બુરેઠા ગામની સીમમાં એક ચકચાર મચાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં જમાઈ સહિત ત્રણ વ્યક્તિઓએ ધોકા વડે હુમલો કરીને એક વૃદ્ધ સાસુની હત્યા કરી નાખી છે. આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રવધૂ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

જાણવા મળતી માહિતી અનુસાર, ભાભર તાલુકાના વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદજી ઠાકોર છેલ્લા પાંચ વર્ષથી ભાભરના બુરેઠા ગામે સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કામ કરતા હતા.

મૃતક જીજીબેન રામચંદજી ઠાકોર (ઉં.વ. 65)ની દીકરીને બે વર્ષ પહેલાં દિયોદરના સામલા ગામે પરણાવી હતી. તેને પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી તેના પિયરમાં (બુરેઠા) રહેતી હતી. જમાઈ મુકેશજી વારંવાર દીકરીને લેવા આવતા હતા, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેને મોકલવામાં આવતી નહોતી. આ જ બાબતની દાઝ રાખીને મુકેશ ઠાકોરે આ ગંભીર ઘટનાને અંજામ આપ્યો હતો.

ધોકા વડે હુમલો

ગત રાત્રે જીજીબેન ઠાકોર અને તેમનો પરિવાર ખેતરમાં સૂતો હતો, ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકોર (જમાઈ) સહિત ત્રણ વ્યક્તિઓ સામાજિક માથાકૂટને લઈને રકઝક કરવા આવ્યા હતા. રકઝક ઉગ્ર બનતા આરોપીઓએ ઉશ્કેરાઈને ધોકા વડે પરિવાર પર હુમલો કર્યો હતો.

હુમલામાં જીજીબેન રામચંદજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સાસુને બચાવવા માટે દીકરાની વહુ, વર્ષાબેન બળવંતજી ઠાકોર વચ્ચે પડતાં તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આરોપીઓ હુમલો કરીને તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. મૃતક જીજીબેન ઠાકોરની લાશને ભાભર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત પુત્રવધૂ વર્ષાબેનને પ્રથમ ભાભર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણ રીફર કરવામાં આવ્યાં છે.

ભાભર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને ફરાર જમાઈ મુકેશ રામાજી ઠાકોર સહિતના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો