Video/ મહેસાણામાં 'સશક્ત નારી મેળા'નો દબદબાભેર પ્રારંભ, હાથબનાવટની કલાનું ભવ્ય પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી'ના અભિયાનને વેગ આપવા માટે આ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી'ના અભિયાનને વેગ આપવા માટે આજે મહેસાણા ખાતે રાજ્યકક્ષાના સશક્ત નારી મેળા'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા મેદાન ખાતે આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી પ્રવિણકુમાર માળીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો ઉમદા પ્રયાસ
આ મેળાનો મુખ્ય હેતુ મહેસાણા જિલ્લાની મહિલા શક્તિને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. જિલ્લાના વિવિધ મહિલા મંડળો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથબનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે અહીં એક વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રદર્શન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓની કળાને સીધું બજાર મળી રહેશે.
મેળાના મુખ્ય આકર્ષણો:
ODOP સ્ટોલ્સ: ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) અંતર્ગત હસ્તકલા અને ગૃહ ઉદ્યોગની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ: મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા શણગારની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને પરંપરાગત હસ્તકલાની વસ્તુઓનું અદભૂત કલેક્શન જોવા મળી રહ્યું છે.
વોકલ ફોર લોકલ: સ્થાનિક ચીજવસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપી મહિલાઓની આવકમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે માટે સરકાર કટિબદ્ધ છે. આ મેળો મહિલાઓને તેમના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે શ્રેષ્ઠ તક પૂરી પાડે છે, જેથી તેઓ સ્વરોજગારી મેળવી સન્માનપૂર્વક જીવન જીવી શકે.
આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, મહિલા મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








