Mehsana/ CCTV ફૂટેજમાં શિક્ષકનો અત્યાચાર થયો કેદ! મસ્તી કરતાં વિદ્યાર્થીઓને સોટીઓથી ફટકારતાં વાલીએ નોંધાવી FIR
મહેસાણા જિલ્લાના મોટી દઉં પાટિયા પાસે આવેલી ઉત્કર્ષ વિદ્યાલય ફરી એકવાર વિવા

મહેસાણા જિલ્લાના મોટી દઉં પાટિયા પાસે આવેલી ઉત્કર્ષ વિદ્યાલય ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. શાળાના શિક્ષક દ્વારા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમાનવીય રીતે માર મારવામાં આવતા, વાલીઓ અને જનતામાં ભારે રોષ ફેલાયો છે.
CCTV વીડિયોમાં માર મારતો શિક્ષક કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. આ સમગ્ર ઘટના શાળાના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા અરવિંદ પટેલે આ CCTV વીડિયો જાહેર કર્યા છે, જેનાથી શાળાની આંતરિક વ્યવસ્થા અને શિક્ષકના વર્તન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
અદાવતમાં શિક્ષકનો અત્યાચાર
વિદ્યાર્થીઓના પિતાના જણાવ્યા અનુસાર, આ માર મારવા પાછળનું કારણ મિત્રો વચ્ચેની મજાક-મસ્તી હતી. શિક્ષક નીલ પટેલે આ વિદ્યાર્થીઓ સાથે કોઈ અદાવત રાખીને તેમને નિશાન બનાવ્યા હતા. શિક્ષક નીલ પટેલે વિદ્યાર્થીઓને સોટીઓથી માર માર્યો હતો. માર મારવાના કારણે વિદ્યાર્થીઓના થાપાના ભાગે ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
શિક્ષક સામે મહેસાણા તાલુકા પો.સ્ટે.માં ફરિયાદ
પુત્રને માર મારવામાં આવતા, ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા અરવિંદ પટેલે આ ગંભીર મામલે કાર્યવાહી કરવાની માગ સાથે પગલાં લીધા છે. પિતા અરવિંદ પટેલે શિક્ષક નીલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








