Video/ ડાકોરના વિકાસ માટે ₹125 કરોડની ફાળવણી: MLA યોગેન્દ્ર પરમારની જાહેરાત વચ્ચે વેપારીઓમાં રોષ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના નવનિર્માણ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹125


સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના નવનિર્માણ અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹125 કરોડ ફાળવવામાં આવ્યા છે. વર્ષ 2026ના પ્રથમ દિવસે સ્વામિનારાયણ BAPS ગૌશાળા ખાતે આયોજિત સંત સભામાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમારે આ જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાતની સાથે જ વર્ષોથી ન્યાયની રાહ જોતા સ્થાનિક વેપારીઓમાં ફરી એકવાર ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
વિકાસની નવી રૂપરેખા
ધારાસભ્ય યોગેન્દ્ર પરમારે મંચ પરથી બાંહેધરી આપી હતી કે હવે ડાકોરને અન્ય મોટા યાત્રાધામોની જેમ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો હલ કરાશે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, અગાઉ નગરપાલિકામાં વહીવટદાર હોવાથી વિકાસ અટક્યો હતો, પરંતુ હવે ભાજપની બોડી અસ્તિત્વમાં આવતા વિકાસ વેગીલો બનશે.
'વિકાસ કે વિનાશ?' - 17 વર્ષથી ન્યાય માટે ભટકતા વેપારીઓ
એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ડાકોરના જૂના વેપારીઓની વેદના સામે આવી છે. આજથી 17 વર્ષ પહેલા વિકાસના નામે અંગ્રેજોના સમયની 64 જેટલી દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કરોડોની કિંમતની આ દુકાનો ગુમાવ્યા બાદ વેપારીઓ આજે પણ રોજીરોટી માટે વલખાં મારી રહ્યા છે.
પીડિત વેપારીઓએ સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના દરવાજા ખખડાવ્યા છે, છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસો કરવા છતાં સરકાર કે તંત્ર દ્વારા તેમની રોજગારી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. વેપારીઓનો આક્ષેપ છે કે જે દુકાનો તોડવામાં આવી ત્યાં હાલ માત્ર પાર્કિંગ થઈ રહ્યું છે, જે વિકાસના નામે વિનાશ સમાન છે.
નગરપાલિકાની કામગીરી સામે સવાલો
રિપોર્ટ અનુસાર, ગત 29 ડિસેમ્બર 2025ના રોજ મળેલી ડાકોર નગરપાલિકાની સામાન્ય સભા માત્ર એક જ મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. આટલી ટૂંકી સભામાં પ્રજાના પ્રશ્નો કે વિકાસના કામોની ચર્ચા કેવી રીતે શક્ય છે, તે અંગે પણ સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
હવે જ્યારે ₹125 કરોડના ખર્ચે ડાકોરનું કાયાકલ્પ થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ નવા વિકાસમાં જૂના પીડિત વેપારીઓને સ્થાન મળશે? કે પછી વિકાસના નામે ફરી એકવાર નાના વેપારીઓનો ભોગ લેવાશે?








