મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Rajkot નું હાર્દ ગણાતું બજાર મંગળવારે રહેશે સૂમસામ: પાથરણાવાળાઓના ત્રાસથી વેપારીઓએ લીધો આકરો નિર્ણય

રાજકોટ શહેરના જાણીતા લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચેની લડત હવે આરપારના જંગમ

તસવીર: gstv

રાજકોટ શહેરના જાણીતા લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચેની લડત હવે આરપારના જંગમાં ફેરવાઈ છે. વર્ષોથી ચાલતા આ વિવાદમાં ઉકેલ ન આવતા અંતે 'લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશન' અને 'હોલસેલ ટેકસટાઇલ મર્ચન્ટ એસોસિએશન' દ્વારા આગામી મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી બજાર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.

કેમ વિરોધ કરી રહ્યા છે વેપારીઓ?

વેપારીઓના જણાવ્યા મુજબ, અગાઉ માત્ર દિવાળી જેવા તહેવારોમાં જ ફેરિયાઓ બેસતા હતા, પરંતુ હવે તેઓ કાયમી ધોરણે દુકાનોની આગળ અડિંગો જમાવીને બેસી જાય છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પાથરણાવાળાઓને કારણે ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકતા નથી. વેપારીઓ પોતે પણ પોતાની દુકાન પાસે વાહનો પાર્ક કરી શકતા નથી. પાર્કિંગની જગ્યા ન મળવાને કારણે ગ્રાહકો આ બજારમાં આવવાનું ટાળી રહ્યા છે. ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન અને પર્સ ચોરીની ઘટનાઓ રોજિંદી બની છે. રોડ પર ફેરિયાઓને કારણે ગંદકીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

તંત્રને અલ્ટીમેટમ

મંગળવારે વેપારીઓ માત્ર દુકાનો બંધ જ નહીં રાખે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પણ રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવશે. ભૂતકાળમાં ધારાસભ્યોની મધ્યસ્થીથી મામલો અનેકવાર શાંત પડ્યો હતો, પરંતુ કાયમી ઉકેલ ન આવતા વેપારીઓએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે.

આ સમાચાર શેર કરો