Video/ કરોડોની યોજના પણ જનતા રહેશે તરસી : નસવાડીમાં 44 કરોડના પાણીના કામો લટકી પડ્યા
નસવાડી (છોટાઉદેપુર): ઉનાળો દસ્તક આપી રહ્યો છે ત્યારે નસવાડી તાલુકામાં કર
નસવાડી (છોટાઉદેપુર): ઉનાળો દસ્તક આપી રહ્યો છે ત્યારે નસવાડી તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી પાણી પુરવઠાની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. પોચંબા પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ 44 કરોડના કામો છેલ્લા બે વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યા છે, જેના કારણે અનેક ગામોના લોકોને આજે પણ ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળતું નથી.
મંત્રીની મુલાકાત પણ એળે ગઈ
નસવાડી તાલુકાના જસ્કી ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અગાઉ પાણી પુરવઠા મંત્રીએ પોતે આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મંત્રીની મુલાકાતને પણ 6 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થયો નથી કે તેમાં પાણી પણ પહોંચ્યું નથી.
30 કરોડના ખર્ચ બાદ પણ પાઈપલાઈનોના ઢગલા
યોજનાના પ્લાન મુજબ નર્મદા મેઈન કેનાલમાંથી પાણી મેળવી, જસ્કી ગામના ફિલ્ટર પ્લાન્ટમાં તેને શુદ્ધ કરી ગામડે-ગામડે પહોંચાડવાનું હતું. આ માટે 44 કરોડની યોજનામાંથી 30 કરોડથી વધુનો તો જંગી ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગામડાઓમાં પાઈપલાઈન નાખવાને બદલે છેલ્લા બે વર્ષથી પાઈપલાઈનોના ઢગલા જમીન પર પડી રહ્યા છે.
અધિકારીઓની નિષ્ફળતા સામે જનતામાં રોષ
બોડેલી ખાતે હેડક્વાર્ટર ધરાવતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આ કામગીરી પૂર્ણ કરાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હોય તેવું જણાય છે. માત્ર પોચંબા જ નહીં, પરંતુ કુપા પાણી પુરવઠા યોજના પણ છેલ્લા 5 વર્ષથી અધૂરી હાલતમાં પડી છે. કરોડો રૂપિયાના સરકારી નાણાંનો વ્યય થયો હોવા છતાં જનતાને પાણી ન મળતા હવે લોકો સવાલ કરી રહ્યા છે કે આ નિષ્ફળતા પાછળ જવાબદાર કોણ?







