Video/ કેસુડાના રંગે રંગાયું દાંતા; આદિવાસી પરિવારોના સશક્તિકરણ માટે બનાસકાંઠામાં પ્રથમવાર પલાશ ઉત્સવનું આયોજન
બનાસકાંઠા: વસંતના આગમન સાથે જ જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દા
બનાસકાંઠા: વસંતના આગમન સાથે જ જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે જિલ્લાનો સૌપ્રથમ ‘કેસુડા મહોત્સવ-2026’ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો. દાંતાની પીપળાવાળી વાવ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કેસુડાને આદિવાસી પરિવારોના આર્થિક સશક્તિકરણનું નવું માધ્યમ ગણાવ્યું હતું.
કેસુડા ટ્રેલ અને પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર
મહોત્સવ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ 'કેસુડા ટ્રેલ' દ્વારા પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પલાશ (કેસુડા) પર આધારિત ફોટો પ્રદર્શન અને સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, કેસુડો માત્ર પ્રકૃતિનું ઘરેણું નથી, પરંતુ તે વન આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની મોટી ક્ષમતા ધરાવે છે.
15થી વધુ સ્ટોલ્સ દ્વારા રોજગારીને વેગ
આ પ્રકૃતિ ઉત્સવમાં કેસુડાના ફૂલોમાંથી બનેલી વિવિધ ચીજવસ્તુઓના 15થી વધુ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. કેસુડાના કુદરતી રંગો, આયુર્વેદિક દવાઓ અને અન્ય ઉત્પાદનો દ્વારા સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનોને રોજગારીના નવા અવસરો મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.
મંત્રી પ્રવીણભાઈ માળીનું નિવેદન
કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, "બનાસકાંઠામાં પ્રથમવાર આયોજિત આ કેસુડા મહોત્સવ આદિવાસી પરિવારો માટે આર્થિક સશક્તિકરણનું માધ્યમ બનશે. રાજ્ય સરકાર વન્ય પેદાશો પર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સ્તરે આત્મનિર્ભરતા વધારવા માટે કાર્યરત છે."







