Video/ Rajkotના વડાલીયા ફૂડ્સના માલિક સાથે 11 કરોડની છેતરપિંડી, 12% વળતરની લાલચ પડી ભારે
રંગીલા રાજકોટમાં વધુ એક મોટી નાણાકીય છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
રંગીલા રાજકોટમાં વધુ એક મોટી નાણાકીય છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જાણીતી પેઢી 'વડાલીયા ફૂડ્સ' ના માલિક અને તેમના પરિવારને ઊંચા વળતરની લાલચ આપી રૂા. 10.99 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આરોપી વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ વડાલીયા ફૂડ્સના માલિક દર્શનભાઈ વડાલીયા અને તેમના પરિવારને વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ પોતાની ત્રણ પેઢીઓ (જેમાં સ્ટોન ક્રશર અને કપચીના વ્યવસાયનો સમાવેશ થાય છે) માં રોકાણ કરવા પર 12 ટકા જેવું ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી.
રૂા. 6.90 કરોડનું રોકાણ અને 11 કરોડની છેતરપિંડી
દર્શનભાઈએ આરોપીઓની વાતોમાં આવીને અલગ-અલગ ત્રણ પેઢીઓમાં કુલ રૂા. 6.90 કરોડનું રોકાણ કર્યું હતું. સમય જતાં વળતર સહિત આ રકમ રૂા. 10.99 કરોડ જેટલી થવા જતી હતી. જોકે, જ્યારે રકમ પરત માંગવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ હાથ અધ્ધર કરી દીધા હતા અને રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની એક્શન: એકની ધરપકડ
છેતરપિંડીનો અહેસાસ થતા દર્શનભાઈ વડાલીયાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં વિજય માકડીયા અને અમિત ભાણવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એસીપી બી.બી. બસિયાએ જણાવ્યું હતું કે, પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપી અમિત ભાણવડિયાની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








