Video/ આ કેવી સુરક્ષા? સાયબર ક્રાઇમની જાગૃતિ આપતું નવસારી પોલીસનું Instagram પેજ જ હેક!
નવસારી જિલ્લા પોલીસના અધિકૃત Instagram પેજ સાથે સાયબર ઠગબાજોએ ચેડાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવ
નવસારી જિલ્લા પોલીસના અધિકૃત Instagram પેજ સાથે સાયબર ઠગબાજોએ ચેડાં કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા પોલીસનું ડિજિટલ પ્રોટેક્શન કાચું સાબિત થતાં અજાણ્યા ઇસમોએ આસાનીથી પેજને હેક કરીને એડવર્ટાઇઝમેન્ટ મૂકી દીધી હતી.
રાત્રે 2.19 મિનિટે બની ઘટના
મળતી માહિતી મુજબ, ગત રાત્રે આશરે 2.19 મિનિટની આસપાસ સાયબર ઠગબાજોએ નવસારી પોલીસના Instagram પેજ પર અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હતો અને તેના પર એક એડવર્ટાઇઝમેન્ટ (જાહેરાત) મૂકી દીધી હતી. પોલીસ જે પેજ દ્વારા લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરે છે, તે જ પેજ હેક થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
તાત્કાલિક કાર્યવાહી
ઘટના અંગે સાયબર ક્રાઇમ વિભાગને જાણ થતાં જ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમે ગણતરીના સમયમાં જ પેજનો પાસવર્ડ બદલી નાખ્યો અને સાયબર ઠગબાજો દ્વારા મૂકવામાં આવેલી એડવર્ટાઇઝમેન્ટને હટાવી દીધી હતી. જોકે, આ ઘટનાએ પોલીસની ડિજિટલ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સાયબર ક્રાઇમની તપાસ શરૂ
આ મામલે નવસારી સાયબર ક્રાઇમના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર પી.આઇ. ઉમંગ મોદી અને તેમની ટીમ દ્વારા આસાનીથી પોલીસના પેજને હેક કરનાર અજાણ્યા ઇસમોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.








