VIDEO: 'ટેકરા પર મકાન હોય તો થોડી એમ્બ્યુલન્સ જાય? નીચે આવવું પડે', ધારાસભ્યનું વિવાદિત નિવેદન
છોટાઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય


છોટાઉદેપુરના નસવાડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવીના નિવેદનથી વિવાદ સર્જાયો છે. ડુંગરાળ વિસ્તારમાં એમ્બ્યુલન્સ ન પહોંચવા બદલ ધારાસભ્યએ વ્યવસ્થા સુધારવાને બદલે પ્રજાને જ દોષી ગણાવી 'અમારો વાંક નથી' તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા.
'અમારો વાંક નથી' તેમ કહી હાથ ઊંચા કરી દીધા
નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ સગર્ભાઓને ઝોલીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ૧૦૦થી વધુ ફળિયાને જોડતા રસ્તાઓ અને એસટી બસની માંગણી સંતોષવાને બદલે ધારાસભ્ય પ્રજાની રજૂઆતો પ્રત્યે ઉદાસીન જણાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તમે ટેકરા પર રહો છો, અમારો શું વાંક: ધારાસભ્યનો જવાબ
નસવાડી તાલુકાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. આ ગંભીર સમસ્યા અંગે સ્પષ્ટતા કરવાને બદલે ધારાસભ્ય અભેસિંહ તડવીએ સ્ટેજ પરથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, 'ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ ઉપર રહે છે, તેના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. તેમાં અમારો કોઈ વાંક નથી.' ધારાસભ્યના આ નિવેદને લોકોની મુશ્કેલીઓની મજાક ઉડાવી હોય તેવો ઘાટ સર્જાયો છે.
ઝોળીમાં લઈ જવાય છે સગર્ભાઓ, છતાં ધારાસભ્ય સંવેદનહીન
ગઢબોરીયાદ વિસ્તારમાં છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રણ એવી ઘટનાઓ બની છે જેમાં સગર્ભા મહિલાઓને રસ્તાના અભાવે ઝોળીમાં નાખીને હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ પીડિત મહિલાઓની મુલાકાત લેવા કે સાંત્વના આપવાને બદલે ધારાસભ્ય કાર્યક્રમમાં પોતાની વાહવાહી લૂંટવામાં અને પ્રજાને દોષી ઠેરવવામાં વ્યસ્ત જણાયા હતા.
એસટી બસ અને રસ્તાની માંગણીઓ અધ્ધરતાલ
નસવાડી તાલુકાના 100થી વધુ ફળિયાઓને જોડતા રસ્તાઓની મંજૂરી સરકાર પાસેથી લાવવામાં ધારાસભ્ય નિષ્ફળ રહ્યા છે. કુકરદા ગામના લોકો લાંબા સમયથી એસટી બસની સુવિધા માટે રજૂઆત કરી રહ્યા છે. ધારાસભ્યએ સ્ટેજ પરથી સ્વીકાર્યું કે લોકો બસની માંગણી કરે છે, પરંતુ આ માંગ ક્યારે સંતોષાશે તેની કોઈ ખાતરી આપી નથી.







