Video: અંકલેશ્વર નજીક ભીષણ આગ, સ્ક્રેપ માર્કેટના ત્રણ ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ સળગ્યું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સવારે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સવારે ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. અન્સાર માર્કેટમાં આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી આસપાસના અન્ય બે ગોડાઉનો સુધી પ્રસરી હતી, જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય સ્ક્રેપ સળગી ઉઠ્યું હતું.
આગનું ભીષણ સ્વરૂપ અને નુકસાન
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલી અન્સાર માર્કેટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. કુલ ત્રણ જેટલા ગોડાઉનો આગની ઝપેટમાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઅલ પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય સ્ક્રેપનો જથ્થો હતો. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. પ્લાસ્ટિક વેસ્ટ સળગવાને કારણે વાતાવરણમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાયું હતું, જેના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થયું હતું. લકી એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપ ગોડાઉનમાં સૌપ્રથમ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગની કામગીરી
બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ઉપરાંત પાનોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે તાત્કાલિક દોડી ગયા હતા. ફાયર અધિકારી પ્રિતેશ પટેલ (ડીપીએમસી) ના જણાવ્યા મુજબ, ફાયર ફાયટરોએ સતત પાણીનો છંટકાવ કરી સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો.
હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. બનાવની ગંભીરતાને જોતા મામલતદાર, જીપીસીબી (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.







