Video/ કોડીનારના સુગાળા ગામે સિંહના ટોળાના ધામા, મુખ્ય ચોક સુધી પહોંચતા ફફડાટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા સુગાળા ગામમાં મોડી રાત્રે અ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા સુગાળા ગામમાં મોડી રાત્રે અનોખી ઘટના જોવા મળી. જંગલ છોડીને સિંહનું એક મોટું ટોળું ગામની અંદર આવી પહોંચ્યું હતું.
સીસીટીવીમાં દ્રશ્યો કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર, એકસાથે 6 જેટલા સિંહોનો પરિવાર ગામમાં પ્રવેશી ગયો હતો. આ સિંહ પરિવારે ગામના મુખ્ય નવદુર્ગા ચોક સુધી પહોંચીને આટાફેરા માર્યા હતા. સિંહના ટોળાની આ ગતિવિધિઓ ગામના ચોકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં સિંહ પરિવાર સંપૂર્ણ શાંતિથી ગામના ચોકમાં ફરી રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જે સ્થાનિક લોકો માટે આશ્ચર્ય અને ભયનો વિષય બન્યો હતો.
ગામલોકોમાં ફફડાટ
સામાન્ય રીતે સિંહોને ખેતરોની સીમ કે જંગલની નજીકના વિસ્તારોમાં જોવા મળતા હોય છે, પરંતુ આટલા મોટા ટોળાનું ગામના મુખ્ય ચોક સુધી આવી પહોંચવું એ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
સિંહ પરિવારના અચાનક આગમનને કારણે સુગાળા ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામજનો હવે પોતાની અને પશુધનની સુરક્ષા અંગે વધુ સતર્ક બન્યા છે. વન વિભાગ દ્વારા આ સિંહોના ટોળાને ફરી જંગલ તરફ વાળવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે.







