Video/ 'બાળવાટિકા બની દારૂની પોટલીઓનો અડ્ડો!', વિકાસથી વંચિત ઠાસરાનું પોળવણીયા ગામ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું છેવાડાનું પોળવણીયા ગામ છેલ્લા 10 વર્ષથી વિકા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું છેવાડાનું પોળવણીયા ગામ છેલ્લા 10 વર્ષથી વિકાસથી સંપૂર્ણ વંચિત રહ્યું છે. ગામનો મુખ્ય માર્ગ બિસ્માર અને ગંદકીથી ખદબદતો હોવાથી ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે 20 લાખના ખર્ચે બનેલી બાળવાટિકા પણ તંત્રની બેદરકારીના કારણે ખંડેર હાલતમાં કચરાપેટી બની ગઈ છે.
10 વર્ષથી રોડ નહીં, ખેતરે જવાનો રસ્તો ગંદકીથી ભરપૂર
5000ની વસ્તી ધરાવતા પોળવણીયા ગામમાં આશરે 900 ખેડૂતોની 2500 થી 3000 વીઘા જમીન આવેલી છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી અવરજવર માટે અહીં રોડ બનાવવામાં આવ્યો નથી. શિયાળામાં પણ મુખ્ય રસ્તો ગંદા કાદવ-કીચડ અને પાણીથી ભરેલો રહે છે. ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે આજ ગંદકીભર્યા રસ્તેથી પસાર થવાની ફરજ પડે છે. રહેણાંક વિસ્તારની હદમાં પણ આ જ પરિસ્થિતિ છે. સ્થાનિકો અને ખેડૂતોએ સરપંચ અને ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ બંનેનું એક જ રટણ છે કે "રોડ બની જશે." જોકે, 10 વર્ષ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે છે.
20 લાખની બાળવાટિકા હવે દારૂની પોટલીઓનો અડ્ડો!
ગામની મધ્યમાં આવેલી અને 20 લાખના ખર્ચે બનેલી બાળવાટિકાની હાલત અત્યંત દયનીય અને ખંડેર થઈ ગઈ છે. તંત્રની ઉપેક્ષાને કારણે આ મકાન આજે આખા ગામનો કચરો નાખવાનું સ્થળ બની ગયું છે. અહીં દારૂની પોટલીઓ અને ગંદવાડ નાખવામાં આવી રહ્યો છે. આ ગંદકીભર્યા વિસ્તાર સામે જ ત્રણ જેટલાં મંદિરો આવેલાં છે. ગામલોકોને છેલ્લા 10 વર્ષથી આ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે.
સ્થાનિક અરવિંદભાઈ ચીમનભાઈ રાવળે અને ખેડૂત જીતેન્દ્ર ઈશ્વરભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, "સરપંચને અમે ઓળખતા નથી અને સરપંચ અમને ઓળખતા નથી." ચૂંટાયા પછી સરપંચ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ગામમાં આવ્યા જ નથી. ખેડૂતોનું કહેવું છે કે, ચૂંટણી સમયે વોટ માંગવા આવતા ધારાસભ્ય પણ આ દિશામાં નક્કર પગલાં ભરવા માટે કામ કરતા નથી, અને એકચક્રી શાસન ચલાવતી સરકાર તથા અધિકારીઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે.








