મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kheda: બામરોલીના મહિલા સરપંચ વિવાદમાં, ચૂંટણી જીતવા દસ્તાવેજોમાં છેડછાડનો આક્ષેપ

ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચ જશોદાબેન દ

Kheda: બામરોલીના મહિલા સરપંચ વિવાદમાં, ચૂંટણી જીતવા દસ્તાવેજોમાં છેડછાડનો આક્ષેપ

ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામના મહિલા સરપંચ જશોદાબેન દશરથભાઈ સોલંકી વિવાદમાં આવ્યા છે. અરજદાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરપંચે ચૂંટણી જીતવા માટે પોતાના ત્રીજા સંતાનનો જન્મ ખોટો બતાવી સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરી છે.

ગુજરાત સરકારના નિયમ મુજબ, વર્ષ 2006 પછી જે ઉમેદવારને બેથી વધુ સંતાન હોય, તે પંચાયતની ચૂંટણી લડી શકતા નથી. જશોદાબેન સોલંકીએ જૂન 2025માં યોજાયેલી ગ્રામપંચાયતની પેટાચૂંટણીમાં સરપંચ પદે વિજય મેળવ્યો હતો. જોકે, અરજદાર નટવરભાઈ ગોતાભાઈ સોલંકીનો આક્ષેપ છે કે જશોદાબેનને ત્રીજું સંતાન છે, જેનો જન્મ ખરેખર વર્ષ 2007માં થયો હતો. ચૂંટણી લડવા માટે, ઉમેદવારે તલાટી અને શાળાના આચાર્ય સાથે સાંઠગાંઠ કરીને દીકરાના જન્મના દાખલામાં છેડછાડ કરી અને 2007નો જન્મ 2006નો બતાવી દીધો. આ પ્રકારે સરકારી દસ્તાવેજમાં છેડછાડ કરીને અને ગ્રામજનો સાથે છેતરપિંડી કરીને સરપંચ બન્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

અરજદાર નટવરભાઈ સોલંકીએ જુલાઈ 2025માં તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિતમાં ફરિયાદ કરી હતી અને તપાસની માંગણી કરી હતી. ચાર મહિના વીતી ગયા બાદ પણ TDO દ્વારા કોઈ તપાસ કાર્યવાહી ન થતાં અરજદારે જાતે જ પુરાવા ભેગા કરી ફરી અરજી કરી છે. આ સમગ્ર મામલે TDO પારસ ચૌહાણ દ્વારા પૂરેપૂરી તપાસ કર્યા વગર જ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટમાં કોઈ જ છેડછાડ જણાતી નથી. અરજદાર નટવરભાઈ સોલંકીએ તાત્કાલિક નક્કર તપાસ કરીને સત્ય બહાર લાવી સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ કરી છે. 

બીજી તરફ શાળાના આચાર્યએ જન્મના દાખલામાં છેડછાડ કર્યાના આક્ષેપ મામલે વસો (TPEO) ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ પારેખ કહ્યુ છે કે અરજદાર નટવરભાઈ સોલંકીનો આક્ષેપ છે કે શાળાના આચાર્યએ જન્મના દાખલામાં છેડછાડ કરીને તેને બદલ્યુ છે. જે અરજી હું જીલ્લા શિક્ષણ અધિકારીને મોકલી આપીશ. તેમના આદેશ બાદ આગળની વધુ તપાસ કાર્યવાહી કરવામા આવશે. આ સમગ્ર મામલે બામરોલી ગામના તલાટી ખુશ્બુ દેસાઈએ કહ્યું કે,  મેં મારા રેકર્ડ પ્રમાણેજ દાખલો આપ્યો છે..મેં કોઈજ છેડછાડ કરી નથી. હવે અરજદાર નટવરભાઈ સોલંકી દ્વારા તમામ નક્કર પુરાવાઓ સાથે ફરીએકવાર આપેલી લેખીત ફરિયાદ મામલે હવે TDO કેવા પ્રકારની નિષ્પક્ષ તપાસ કરે છે તે જોવુ રહ્યું. 

આ સમાચાર શેર કરો