મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ "દારૂ વેચશો તો ખેર નથી", બાબરાના કલોરાણા ગામમાં મહિલાઓનો મક્કમ નિર્ણય

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામમાં દારૂના

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કલોરાણા ગામમાં દારૂના દૂષણે અનેક હસતા-ખેલતા પરિવારોને ઉજ્જડ કરી દીધા છે. દારૂના કારણે ઘર કંકાસ અને યુવાન વયે થતા મોતના કિસ્સા વધતા હવે કલોરાણા ગામના લોકોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય લીધો છે.

બાપાસીતારામના ઓટે આખું ગામ એકઠું થયું

ગામમાં દારૂ અને દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાઓ, વડીલો અને યુવાનો ‘બાપાસીતારામના ઓટા’ પાસે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અહીં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી ગામમાં કોઈ દારૂ વેચશે નહીં કે પીશે નહીં. જો બહારનો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવશે તો તેની સામે ગામલોકો ભેગા મળીને કડક કાર્યવાહી કરશે.

એક મહિનામાં 3 અર્થીઓ ઉઠી, મહિલાઓની વેદના

ગામ લોકોની પીડા પાછળનું કારણ અત્યંત ગંભીર છે. છેલ્લા માત્ર એક જ મહિનામાં દારૂના વ્યસનને કારણે ગામના 3 આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે. યુવાન વયે મહિલાઓ વિધવા થઈ રહી છે અને માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાઓનો આક્ષેપ છે કે પુરુષો મજૂરી કરવાના બદલે સ્ત્રીઓએ માંડ-માંડ ભેગા કરેલા પૈસા છીનવીને દારૂ પી જાય છે અને વિરોધ કરતા મારઝૂડ કરે છે.

પોલીસની નિષ્ફળતા સામે સવાલ

કલોરાણા ગામના આગેવાનોએ અમરેલી એસપી અને બાબરા પોલીસને અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં ગામમાં ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂ મળી રહ્યો છે. પોલીસની સુસ્તીને કારણે આજે આખું ગામ ત્રાહિમામ પોકારી ગયું છે. ગામની મહિલાઓએ સરકાર પાસે આજીજી કરી છે કે તેમના પાયમાલ થતા પરિવારોને બચાવવા માટે તાત્કાલિક દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે. 

આ સમાચાર શેર કરો