Video/ વાઘોડિયામાં ગેરકાયદે વૃક્ષ કટિંગનો મામલો: લાકડા ભરી જતો ટેમ્પો ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ફરી એકવાર લીલા વૃક્ષોના આડેધડ કટિંગનો મામલો સ
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ફરી એકવાર લીલા વૃક્ષોના આડેધડ કટિંગનો મામલો સામે આવ્યો છે, જોકે આ વખતે વડોદરા ફોરેસ્ટ વિભાગે બાતમીના આધારે લાકડા ભરી જતા ટેમ્પાને મોડી રાત્રે ઝડપી પાડીને ગેરકાયદે પ્રવૃત્તિ પર લગામ કસવાનો પ્રયાસ કર્યો છે.
વેસણિયા ગામેથી મહુડાના લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો
વાઘોડિયા તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવતાં વડોદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. વડોદરા ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી કે વાઘોડિયા તાલુકાના વેસણિયા ગામે એક ખેડૂતના ખેતરમાંથી ગોધરાના લાકડાના વેપારી દ્વારા મહુડાના વૃક્ષનું કટિંગ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેરકાયદે કાપેલા મહુડાના વૃક્ષના લાકડા ભરી જતા ટેમ્પાને કબ્જે કર્યો હતો.
સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ
આ ગેરકાયદેસર કટિંગની ઘટનાએ સ્થાનિક વહીવટી વિભાગની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, સ્થાનિક વહીવટી વિભાગના નાકની નીચે ચાલતા લીલા વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ પર લગામ કસવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. સ્થાનિક ખેડૂતોની સંડોવણી અને બહારના વેપારીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી છે.






