Vadodara મહાનગરપાલિકા એક્શન મોડમાં, જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે હવે થશે કડક કાર્યવાહી
વડોદરા મહાનગરપાલિકાએ હવે જાહેર રસ્તાઓ અને સ્થળો પર કચરો ફેંકનારાઓ સામે વોર્ડ સ્તરે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ
વડોદરા મહાનગરપાલિકાએ હવે જાહેર રસ્તાઓ અને સ્થળો પર કચરો ફેંકનારાઓ સામે વોર્ડ સ્તરે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.પાલિકાના વોર્ડ નંબર 13ના વોર્ડ ઓફિસર અભિષેક ચૌધરી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે જાહેર સ્થળોએ કચરો ફેંકનાર સામે સ્થળ પર જ કાર્યવાહી કરીને દંડ વસૂલ્યો હતો.
આ કાર્યવાહી શહેરના ન્યાય મંદિર રોડ વિસ્તારમાં કરવામાં આવી હતી. વોર્ડ ઓફિસરે સ્થળ પર જ કચરો ફેંકનારને પાવતી આપીને દંડની રકમ વસૂલી હતી, જેનાથી અન્ય લોકોને પણ જાહેર રસ્તાઓ પર કચરો ન ફેંકવાનો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. કાર્યવાહી દરમિયાન વોર્ડ ઓફિસરે વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકો તેમજ દુકાનદારોને જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા માટે અપીલ કરી હતી.




