Video/ 'હું પાર્ટીની કાર્યકર્તા છું,સંગઠન કહેશે તો સક્રિય થઈશ; સ્વ. પૂર્વ CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી
સૌરાષ્ટ્રને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આગામી રાજકીય રણનીતિ
સૌરાષ્ટ્રને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે આગામી રાજકીય રણનીતિ નક્કી કરવા માટે રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભાજપના શહેર કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયેલી આ બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરના મહત્ત્વપૂર્ણ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોણ કોણ હાજર
આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને શહેરના અધ્યક્ષો અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં મુખ્ય ચર્ચાના મુદ્દા
આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં SIR ની કામગીરીની સમીક્ષા, સ્વદેશી અભિયાનને વધુ વેગ આપવો અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ અને માર્ગદર્શન જેવી બાબતો પર ભાર મુકવામાં આવ્યો હતો.
સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે મહત્ત્વપૂર્ણ બેઠક
ભાજપના ટોચના નેતાઓએ સૌરાષ્ટ્ર સંગઠનની બેઠક બાદ સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી સાથે તેમના નિવાસસ્થાને ખાસ મુલાકાત કરી હતી. સૌરાષ્ટ્રનું રાજકારણ વિજયભાઈ રૂપાણીની ટીમ વિના અધૂરું હોવાની લાગણીને પગલે, ભાજપ દ્વારા અંજલિબેનને સક્રિય રાજકારણમાં લાવવાનો એક્શન પ્લાન ઘડાઈ રહ્યો છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના નેતાઓએ અંજલિબેન રૂપાણી સાથે બેઠક યોજી હતી.
અંજલિબેન રૂપાણીનું નિવેદન
આ બેઠક બાદ અંજલિબેન રૂપાણીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે પાર્ટીમાં સક્રિય થવાના સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વિજયભાઈએ સંગઠન લેવલે ખૂબ કામ કર્યું છે અને તેમના કામથી સંગઠન પરિચિત છે. હું પાર્ટીની કાર્યકર્તા છું, સંગઠન કહેશે તો ચોક્કસપણે સક્રિય થઈશ."
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંજલિબેન રૂપાણીને સંગઠનમાં કોઈ મોટો હોદ્દો આપીને તેમને સૌરાષ્ટ્રના રાજકારણમાં સક્રિય કરવાની પ્રબળ શક્યતા છે
ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની રાજકોટ મુલાકાતને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુલાકાત અને સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથેની બેઠક અંગે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપ્યું હતું.
સંગઠન બેઠક: 'SIR'ની કામગીરી પર સમીક્ષા
રાજુ ધ્રુવે સંગઠનની બેઠક અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ બેઠક મુખ્યત્વે SIR (સેવા, સંગઠન અને સહકાર) ની કામગીરીની સમીક્ષા કરવા માટે યોજવામાં આવી હતી. તેમણે માહિતી આપી કે આ બેઠકમાં 15 જિલ્લાના કુલ 159 અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રૂપાણી પરિવારની મુલાકાત: 'માત્ર ઔપચારિક સાંત્વના'
વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને બી.એલ. સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી સહિતના શીર્ષ નેતૃત્વની મુલાકાત અંગે પ્રવક્તા રાજુ ધ્રુવે ભારપૂર્વક જણાવ્યું કે, "વિજયભાઈ રૂપાણી પાર્ટીના મોભી અને અદના કાર્યકર્તા હતા. આજે રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ સંગઠનનું શીર્ષ નેતૃત્વ તેમને સાંત્વના આપવા પહોંચ્યું હતું. આ મુલાકાત માત્ર ઔપચારિક અને સાંત્વના આપવા પૂરતી મર્યાદિત હતી."
વળી, તેમણે સ્પષ્ટ દાવો કર્યો હતો કે, અંજલિબેન રૂપાણી પાર્ટીમાં સક્રિય હતા, છે અને રહેશે.
શહેર પ્રમુખને બહાર રાખવા અંગે અજ્ઞાનતા
આ મુલાકાત દરમિયાન શહેર પ્રમુખ માધવ દવેને શા કારણથી બહાર રખાયા હતા, તે અંગે રાજુ ધ્રુવે અજ્ઞાનતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "તે શા કારણથી બહાર હતા, તે મને ખબર નથી."






