મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Surat ના મહીધરપુરામાં પાર્કિંગ બાબતે બે જૂથો વચ્ચે ભારે બબાલ, મામલો થાળે પાડવા પોલીસે કર્યો લાઠીચાર્જ

સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે સમાજના લોકો

તસવીર: gstv

સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઘર્ષણ થતા દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરી મામલો શાંત પાડ્યો હતો અને અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મહીધરપુરાના કુંભારવાડ પાસે મોડી રાત્રે વાહન પાર્કિંગ કરવા બાબતે કુંભાર અને વ્હોરા સમાજના કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડો વકર્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ તંગ બનતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

પોલીસની કાર્યવાહી અને લાઠીચાર્જ

ઘટનાની જાણ થતા જ મહીધરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસની કડક કાર્યવાહી બાદ ટોળું વિખેરાયું હતું અને મામલો થાળે પડ્યો હતો.

સમાધાન સાથે શાંતિનો માહોલ

રાત્રિના સમયે જ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષોના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પરસ્પર સમજાવટ બાદ સમાધાન સાધવામાં આવ્યું હતું. હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિનો માહોલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે.

આ સમાચાર શેર કરો