Video/ 'સાન્તાક્લોઝ નહીં, શિવાજી-મહારાણા પ્રતાપ બનાવો' સુરતની શાળાઓમાં ક્રિસમસ સેલિબ્રેશન સામે હિન્દુ સંગઠનોની લાલ આંખ
આગામી 25 ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લામા
આગામી 25 ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લામાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કામરેજ સહિત સમગ્ર સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો આ પર્વની ઉજવણી સામે સક્રિય થયા છે. સંગઠનો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો શાળાઓમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાઓને ચેતવણી
હિન્દુ સંગઠનોએ સુરત જિલ્લાની શાળાઓ અને કોલેજોના સંચાલકોને અપીલ અને ચેતવણીના સુરમાં જણાવ્યું છે કે, જે શાળાઓમાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી, ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનું કોઈ કારણ નથી. સંગઠનોના મતે, આવી ઉજવણીઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી.
સાન્તાક્લોઝને 'જોકર' સાથે સરખાવ્યા
સુરત જિલ્લા હિન્દુ યુવા નેતા જય પટેલે આક્રમક નિવેદન આપતા સાન્તાક્લોઝની સરખામણી 'જોકર' સાથે કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોને સાન્તાક્લોઝ બનાવીને શું સાબિત કરવા માંગો છો? તેના બદલે શાળાઓમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા વીર મહાપુરુષોની વેશભૂષા ધારણ કરાવવી જોઈએ, જેથી બાળકોમાં રાષ્ટ્રવાદ અને વીરતાના સંસ્કાર સિંચાય.
ઉગ્ર વિરોધની ચીમકી
હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા આ સૂચનાનું ઉલ્લંઘન કરવામાં આવશે અથવા પરાણે ઉજવણી કરવામાં આવશે, તો સંગઠન મેદાનમાં ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે. આ મામલે આગામી દિવસોમાં વિવિધ શાળાઓને લેખિતમાં જાણ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.





