Video: મોઢેરા ખાતે ભવ્ય અશ્વદોડનું આયોજન, છેક રાજસ્થાનથી આવી અશ્વપાલકોએ લીધો ભાગ
મહેસાણાના ઐતિહાસિક સ્થળ મોઢેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપ
મહેસાણાના ઐતિહાસિક સ્થળ મોઢેરા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભવ્ય અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી સ્પર્ધામાં ગુજરાતભરના તેમજ રાજસ્થાનના 100 થી વધુ અશ્વપાલકોએ પોતાના ઘોડાઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેવાલ ચાલ અને અશ્વદોડનું આયોજન
આ સ્પર્ધામાં માત્ર ઝડપી દોડ જ નહીં, પરંતુ ઘોડાઓની ખાસ ચાલ ગણાતી 'રેવાલ ચાલ' ની પણ સ્પર્ધા યોજાઈ હતી, જે અશ્વપાલકો અને દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્પર્ધાને કેમેરામાં કેદ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર મેદાનના અદ્ભુત નજારાને કેમેરામાં કંડાર્યો હતો.
આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાનના શ્રેષ્ઠ અશ્વોની હાજરી નોંધાઈ હતી. સ્પર્ધાના અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર અશ્વોને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ અશ્વ હરીફાઈને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અશ્વપાલન એક પડકાર
આજના યુગમાં જ્યાં અશ્વપાલન એક અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ શોખ બની ગયો છે, ત્યારે આ સ્પર્ધાનું આયોજન ઘોડા અને તેની સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. સ્પર્ધક અલ્પેશભાઈ દેસાઈ અને અશ્વપાલક હાજીભાઈ સિંધી (બાઈટ)એ જણાવ્યું હતું કે, હવે ઘોડાઓની કિંમત લાખોમાં હોય છે અને તેમના પાલન-પોષણનો ખર્ચ પણ ઘણો વધારે છે. આજના સમયમાં રણમેદાનના અશ્વો હવે માત્ર લગ્નના વરઘોડામાં જ જોવા મળે છે, ત્યારે આવી સ્પર્ધાઓ અશ્વપાલનની સંસ્કૃતિને જીવંત રાખે છે.







