મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'પરીક્ષા ચાલુ થાય તે પહેલા જ તિજોરીની ચાવી તસ્કરો ચોરી ગયા', મહેસાણામાં વિચિત્ર ઘટના

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ રહેલા ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર અને આશ

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ રહેલા ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર અને આશ્ચર્યજનક ચોરીની ઘટના બની છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા અટવાઈ ગઈ હતી. તસ્કરોએ રોકડ કે કિંમતી સામાનને બદલે શાળાની તિજોરીઓની ચાવીઓ ચોરી જતાં મોટો પ્રશ્ન ઊભો થયો છે.

તિજોરીની ચાવી ચોરાઈ, પેપર કાઢવું મુશ્કેલ બન્યું

તસ્કરોએ રહેલા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાને નિશાન બનાવી હતી અને શાળામાં ઘૂસી જઈને તિજોરીઓની ચાવીઓ ચોરી લીધી હતી. આ તિજોરીઓમાં જ વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપરો રાખવામાં આવેલા હતા.

ચાવીઓ ચોરાઈ જતાં શાળા સંચાલકો પેપર કાઢી શક્યા નહોતા. જેના પરિણામે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના બેસી રહેવું પડ્યું હતું. આજે 13 ઓક્ટોબરે  સવારે 11 વાગ્યે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર હતું, પરંતુ તસ્કરોના આ કાંડના કારણે બાળકો પરીક્ષા  આપી શક્યા નથી. 

ઘટના અંગે મુખ્ય શિક્ષક નિગમ પટેલ એ જણાવ્યું હતું કે ચાવીઓ ચોરાઈ જવાને કારણે પેપર બહાર કાઢી શકાયા નથી, અને હવે અન્ય રીતે તિજોરી ખોલવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેથી પરીક્ષાનું આયોજન ફરીથી કરી શકાય.

પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તિજોરીની ચાવીઓ ચોરી જનારા અજાણ્યા તસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે. તસ્કરોનો ઉદ્દેશ માત્ર ચાવીઓ ચોરવાનો જ હતો કે પછી કોઈ અન્ય બદઈરાદો હતો, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો