Video: 'જ્ઞાન સહાયક' ભરતીમાં વિરોધાભાસ, TAT પાસ શિક્ષકો ઉપલબ્ધ છે, તો પણ જગ્યાઓ ખાલી કેમ રહી?
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે 'જ્ઞાન સહાયક' શિક્ષક
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે 'જ્ઞાન સહાયક' શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ મહેસાણા જિલ્લામાં આ પ્રક્રિયા અપેક્ષા મુજબ સફળ રહી નથી. એક તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતીની વર્ષોથી માંગણી છે, તો બીજી તરફ લાયક ઉમેદવારો હોવા છતાં મહેસાણામાં શિક્ષકોની 13 જગ્યાઓ ખાલી રહી ગઈ છે, જે શિક્ષણ વિભાગ માટે પડકારજનક સ્થિતિ ઊભી કરે છે.
મહેસાણા જિલ્લાના માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા કુલ 51 જ્ઞાન સહાયક શિક્ષકોની જરૂરિયાત સામે TAT (Teacher Aptitude Test) પાસ ઉમેદવારો માટે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કેમ્પના અંતે વિભાગને માત્ર 38 શિક્ષકો જ મળી શક્યા છે, અને 13 જગ્યાઓ ખાલી રહી છે.
જગ્યાઓ ખાલી કેમ રહી?
સવાલ એ થાય છે કે જ્યારે હજારોની સંખ્યામાં શિક્ષક ભરતીની માંગણી છે અને લાયકાત ધરાવતા TAT પાસ શિક્ષકો ઉપલબ્ધ છે, તો પણ જગ્યાઓ ખાલી કેમ રહી?
વિભાગના સૂત્રોનું માનીએ તો, આ વિરોધાભાસ પાછળનું મુખ્ય કારણ 'પસંદગીની જગ્યા' છે. પસંદગી પામેલા અને તમામ લાયકાત ધરાવતા શિક્ષકોને તેમની પસંદગીની જગ્યા (જિલ્લો કે શાળા) ન મળવાના કારણે તેઓ નિમણૂક સ્વીકારતા નથી. એટલે કે, લાયક શિક્ષકો ઉપલબ્ધ હોવા છતાં, ભરતી પ્રક્રિયા અને પસંદગીના માપદંડોને કારણે આ જગ્યાઓ ભરાઈ શકી નથી.
લાયક ઉમેદવાર મળવા છતાં જગ્યાઓ ખાલી રહેવાની આ સ્થિતિ શિક્ષણ વિભાગ માટે ગંભીર પડકાર છે. હવે બાકી રહેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે વહીવટી તંત્રને ફરીથી કેમ્પનું આયોજન કરવાની ફરજ પડી છે.








