Video/ Chhota Udaipur માં દૂષિત પાણીનો કહેર, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો
છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે, જેના કારણ
છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નગરપાલિકાની બેદરકારી અને સ્વચ્છતાના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.
ગંદકી અને દૂષિત પાણી મુખ્ય કારણ
પ્રાથમિક દ્રષ્ટિએ, નગરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ડ્રેનેજ લાઈનમાં પીવાના પાણીની લાઈનો પસાર થવી અને ઓરસંગ નદીમાંથી ફિલ્ટર વગરનું પાણી આવવું એ રોગચાળાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. નગરના આશરે 35 હજાર લોકોના આરોગ્યની ચિંતા નગરપાલિકાના સત્તાધીશોને જાણે સહેજ પણ ન હોય તેમ લાગી રહ્યું છે. ગંદા પાણીની ગટર લાઈનમાંથી પીવાના પાણીની લાઈનો પસાર થઈ રહી છે, જે અત્યંત ચોંકાવનારી બાબત છે.
ઓરસંગ નદી પણ દૂષિત
વધુ એક ગંભીર બાબત એ છે કે આખા નગરના ગંદા પાણીનો નિકાલ છોટાઉદેપુર નગરના કિનારેથી પસાર થતી ઓરસંગ નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે. આ જ દૂષિત પાણી નદીમાં બનાવેલ વોટર વર્ક્સના કૂવા નજીકથી પસાર થાય છે અને કૂવાનું પાણી સીધું સંપના કૂવામાંથી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે.
નગરજન મુકેશ અગ્રવાલના જણાવ્યા મુજબ, "પહેલાના સમયમાં નદીના પટમાં રેતી હતી અને તેનાથી પાણી ફિલ્ટર થતું હતું, પરંતુ હવે નદીમાં રેતી જ ના હોવાથી પાણી ફિલ્ટર પણ નથી થતું."
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નિષ્ફળ
ઓરસંગ નદીના કિનારે એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાંચ વર્ષ પહેલા નાખવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા પાસે આ પ્લાન્ટ હોવા છતાં તેની ક્ષમતા અડધા શહેરને પણ શુદ્ધ પાણી આપી શકે તેવી નથી, અને તે નિયમિત ચાલતું પણ નથી. આગેવાન સુલેમાન રેલીયાના આરોપ મુજબ, "નગરની ભૂગર્ભ ગટર લાઈન યોજના સદંતર નિષ્ફળ રહી છે. કવાંટ બ્રિજ પાસે લોકોના કનેક્શનવાળી ગટર લાઈન તૂટેલી હાલતમાં છે, જેનું ગંદુ પાણી સીધું નદીમાં વહી જાય છે અને પાલિકાના વોટર વર્ક્સમાં ભળી જાય છે." આ દૂષિત પાણી પીવાથી નગરજનો બીમાર પડી રહ્યા છે.
કમળાના દર્દીઓમાં વધારો
દિવસેને દિવસે કમળાના રોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. સિવિલ હોસ્પિટલના ડૉ. શૈલેષ રાઠવાએ પણ રોગનું કારણ દૂષિત પાણી પીવા અને દૂષિત ખોરાક આરોગવાને ગણાવ્યું છે. આ ચેપી રોગ હોવાથી તેમણે નગરના લોકોને સાવચેતી રાખવા પણ જણાવ્યું છે.
છોટાઉદેપુરના નાગરિકો પાણીની સુરક્ષા માટે ચિંતિત છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય અને નગરપાલિકાના સત્તાધીશો નહીં જાગે, તો આવનારા સમયમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થાય તેવી ભીતિ છે.






