Video/ હળવદના વેપારીના આપઘાત મામલે 10 લોકો સામે ફરિયાદ, વ્યાજખોરી અને ધમકીનો આક્ષેપ
હળવદમાં જમીનના વિવાદ, વ્યાજખોરી અને માનસિક ત્રાસને કારણે એક વેપારીએ આપઘાત કરી લીધો હતો.
હળવદમાં જમીનના વિવાદ, વ્યાજખોરી અને માનસિક ત્રાસને કારણે એક વેપારીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે મૃતકની પત્નીએ 10 જેટલા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કારમાં ઝેરી દવા પીને આપઘાત
આ બનાવ તા. 17મી નવેમ્બરના રોજ બન્યો હતો. મૃતક વેપારી નવનિતભાઈએ કેદારીયા ગામ પાસે આવેલા લીઝોન એગ્રી પ્રોડક્ટ કારખાનાના ગ્રાઉન્ડમાં પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ, મૃતક નવનિતભાઈની પત્ની હંસાબેને હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે કુલ 10 વ્યક્તિઓ પર તેમના પતિને માનસિક ત્રાસ આપવા, ધમકી આપવા અને વ્યાજની ઉઘરાણી કરીને મરવા માટે મજબૂર કરવાનો આક્ષેપ કર્યો છે.
જમીનના દસ્તાવેજ અને વ્યાજની ઉઘરાણીનો વિવાદ
ફરિયાદ મુજબ, આપઘાત પાછળનું મુખ્ય કારણ જમીનના રૂપિયાની ચૂકવણી કર્યા બાદ પણ આરોપીઓ દ્વારા દસ્તાવેજ ન કરી આપવો તેમજ ચૂકવેલા રૂપિયા પર પણ વ્યાજની ઉઘરાણી કરીને નવનિતભાઈને સતત હેરાનગતિ કરવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવાયું છે.
10 આરોપીઓ સામે ગુનો નોંધાયો
હંસાબેને ફરિયાદમાં જે 10 ઈસમોના નામ આપ્યા છે, તે નીચે મુજબ છે:
- શરદ પટેલ
- સુરેશ પટેલ
- ભરત ભટ્ટાસણા
- અનિલ મંગલ
- ગજાનન જોષી
- સૌરભ રાઠી
- ગીરીશ મહેશ્વરી
- ઘેટીદાદા
- જગદીશ
- રામજી
હળવદ પોલીસ દ્વારા આ તમામ 10 આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આક્ષેપોની સત્યતા અને વ્યાજખોરીના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે








