મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ: તોડફોડ અને FIR મુદ્દે NSUI અને વાઇસ ચાન્સલર સામસામે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ હવ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

NSUI ના આક્ષેપ: "રાજકીય ઈશારે ખોટી FIR"

NSUI ના નેતાવિક્રમ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, RSS અને ભાજપના નેતાઓના દબાણમાં આવીને પોલીસ દ્વારા NSUI કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદો નોંધવામાં આવી છે. તેમનો દાવો છે કે અગાઉ યુનિવર્સિટીમાં RSS દ્વારા 'ખોટો ઇતિહાસ' બતાવવા સામે તેમણે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જે કાર્યકર્તાઓ હાજર પણ નહોતા, તેમની સામે પણ ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ NSUI એ કર્યો છે.

વાઇસ ચાન્સલરની આક્રમક પ્રતિક્રિયા: "FIR પાછી નહીં ખેંચાય"

સામે પક્ષે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાએ NSUI પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે 'અટલ કલામ' ભવનમાં સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોના પત્રવ્યવહારના કટીંગ્સ મૂકવામાં આવ્યા હતા, જ્યાં NSUI દ્વારા પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તોડફોડ કરવામાં આવી અને પોસ્ટરો ફાડવામાં આવ્યા.  16  થી 23 ફેબ્રુઆરી દરમિયાન કોઈ પણ સંગઠન કે વિદ્યાર્થી દ્વારા આ બાબતે કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી નહોતી. સીધી તોડફોડ કરીને યુનિવર્સિટીની છબી ખરડવામાં આવી છે.

VC એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ વિદ્યાર્થીના એડમિશન રદ કરવામાં આવ્યા નથી, પરંતુ તોડફોડ કરનારાઓ સામે નોંધાયેલી FIR માં કોઈ માફી મળશે નહીં.

પોલીસ કાર્યવાહી

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા તોડફોડ અને અભદ્ર વાણીવિલાસના મુદ્દે NSUI ના કાર્યકર્તાઓ અને નેતાઓ સામે સત્તાવાર રીતે FIR નોંધાવવામાં આવી છે. હાલ યુનિવર્સિટી કેમ્પસમાં આ મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

આ સમાચાર શેર કરો