Video: ડી' કેબીનમાં સનરૂફમાંથી બહાર નીકળી છરી બતાવી ધમકાવનારની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ શહેરમાં કાયદાનો ડર ન હોય તે રીતે એક યુવકે અકસ્માત સર્જ્યા
અમદાવાદ શહેરમાં કાયદાનો ડર ન હોય તે રીતે એક યુવકે અકસ્માત સર્જ્યા બાદ જાહેરમાં દાદાગીરી અને ધમકી આપતા પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી છે. આ ઘટના સાબરમતી વિસ્તારના ડી કેબિન નજીક બની હતી. એક કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
સનરૂફમાંથી બહાર નીકળી છરી લહેરાવી
લોકો ભેગા થતાં કારચાલકે માફી માંગવા કે મદદ કરવાને બદલે ઊલટું દાદાગીરી શરૂ કરી હતી. તેણે પોતાની કારના સનરૂફમાંથી બહાર ઊભા થઈને હાથમાં છરી લહેરાવીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દાદાગીરીનો નજારો જોઈને લોકોમાં ભય ફેલાયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને દાદાગીરી કરનાર કારચાલક ભાસ્કર વ્યાસની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે આરોપી ભાસ્કર વ્યાસ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ (GP એક્ટ)ની કલમ 135 હેઠળ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત, કાર ગફલતભરી રીતે ચલાવવા બદલ ટ્રાફિક પોલીસે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








