Video/ banaskanthaના થરાદમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત, 48 કલાકમાં બે કેનાલમાં ભંગાણ
બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં બે
બનાસકાંઠાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં બે કેનાલોમાં ભંગાણ સર્જાતાં આ પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભટાસણા બાદ હવે નાળોદર ગામની સીમમાં કેનાલમાં 20 ફૂટથી મોટું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે.
પાણીના વેડફાટથી ખેડૂતો ત્રાહિમામ
એક તરફ આ વિસ્તારના કેટલાય ગામડાઓમાં સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી તરફ કેનાલમાં ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. ખેડૂતોમાં રોષ છે કે પહેલાં સરકાર દ્વારા કેનાલોમાં સિંચાઈનું પાણી મોડું છોડવામાં આવ્યું અને હવે ગાબડાં પડવાના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. કેનાલનું પાણી આસપાસના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
ખેડૂતો આ ભંગાણ માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. ખેડૂતોના આક્ષેપ મુજબ કેનાલમાં પાણી છોડતા પહેલાં તેની યોગ્ય સફાઈ કરવામાં આવી ન હતી. કેનાલના રિપેરિંગ કામ પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓના પાપે જ કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો માની રહ્યા છે, જેના પરિણામે ખેડૂતોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
તાત્કાલિક ધોરણે તૂટેલી કેનાલનું સમારકામ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.








