મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: 'જમીન અમારી માલિકીની છે', સાંસદોના હસ્તે ઉદ્ઘાટન પામેલું ભાજપ મંત્રીનું ક્લિનિક વિવાદમાં આવતા આપ્યું નિવેદન

રાજકોટ શહેરમાં ભાજપના નેતા અને શહેર મંત્રી વિજય પાડલીયાનું નવનિર્મિત ડેન્ટલ

રાજકોટ શહેરમાં ભાજપના નેતા અને શહેર મંત્રી વિજય પાડલીયાનું નવનિર્મિત ડેન્ટલ કેર ક્લિનિક વિવાદમાં સપડાયું છે. યુનિવર્સિટી રોડ પર આવેલા આ ડેન્ટલ ક્લિનિકનું બાંધકામ પ્લાન વિરુદ્ધનું હોવાનો આક્ષેપ છે, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે.

મનપા દ્વારા GPMC એક્ટ હેઠળ નોટિસ

મળતી માહિતી મુજબ, આ હોસ્પિટલનું બાંધકામ પ્લાન વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું હોવાનું સામે આવતા, મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે ગંભીરતાથી નોંધ લીધી છે. RMC દ્વારા GPMC એક્ટની કલમ 260 (1) હેઠળ ડેન્ટલ કેરને નોટિસ ફટકારવામાં આવી છે.

આ નોટિસમાં ભાજપ મંત્રી વિજય પાડલીયાને સાત દિવસની અંદર વધારાનું બાંધકામ દૂર કરવા અને આ અંગે ખુલાસો રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો સાત દિવસમાં વધારાનું બાંધકામ દૂર નહીં થાય, તો કોર્પોરેશન દ્વારા ડિમોલેશન (તોડી પાડવાની) કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે ભાજપ શહેર મંત્રી વિજય માધવજી પાડલીયા દ્વારા ઊભું કરાયેલા આ ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન ગત 27 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને પરસોતમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના અન્ય ભાજપ નેતાઓએ પણ હાજરી આપી હતી.

વિજય પાડલીયાનું નિવેદન: રાજકીય હિતશત્રુઓનું કાવતરું

ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મળ્યા બાદ ભાજપ મંત્રી વિજય પાડલીયાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ કાર્યવાહી તેમના રાજકીય હિતશત્રુઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે કરવામાં આવી છે.

વિજય પાડલીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું:

"જમીન અમારી માલિકીની છે અને બાંધકામ પણ પ્લાન મુજબ મંજૂરી સાથે કરેલું છે. જગ્યા ઉપર વધારાનું FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) મનપાના નિયમ મુજબ પૈસા ભરીને લીધેલું છે. અમારા હિતશત્રુઓએ બાંધકામ અનધિકૃત હોવાની ફરિયાદ કરી છે, જે આગામી સંગઠનને લઈને કરવામાં આવી હોઈ શકે. કેટલાક લોકોને કઈક અપેક્ષાઓ હોઈ, એટલે અમને ટાર્ગેટ કરી રહ્યા છે. આ રાજકીય હિતશત્રુઓને પગલે થયું હોઈ શકે અને અમે RMC ને યોગ્ય જવાબ આપશું."

આ સમાચાર શેર કરો