Video/ સાઇડ માંગવી ભારે પડી : નડિયાદમાં હૉર્ન વગાડવા બદલ કાર ચાલક પર જીવલેણ હુમલો!
નડિયાદ શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં માત્ર હૉર્ન વગાડવા જેવી
નડિયાદ શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં માત્ર હૉર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે બે અજાણ્યા શખસોએ કાર ચાલક પર હુમલો કર્યો હતો. આણંદ જિલ્લાના નાવલી ગામથી ખરીદી અર્થે નડિયાદ આવેલા વેપારીને રોડ પર સાઇડ માંગવી ભારે પડી હતી, જેના પગલે તેમની કારના કાચ તોડી નખાયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ખરીદી કરવા આવેલા વેપારીને કડવો અનુભવ
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના નાવલી ગામમાં પાણીનો પ્લાન્ટ ચલાવતા કલ્પેશભાઈ પટેલ નડિયાદના કંસારા બજારમાં વાસણની ખરીદી કરવા માટે આવ્યા હતા. જ્યારે તેઓ નડિયાદના કબ્રસ્તાન ચોકડી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ પર ચાલી રહેલા બે રાહદારીઓને તેમણે હૉર્ન વગાડીને સાઇડમાં ખસવાનું સિગ્નલ આપ્યું હતું.
હૉર્ન વગાડવા બદલ કાર પર હુમલો
માત્ર સાઇડ આપવાનું કહેવાથી આ બંને રાહદારીઓ અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. મામલો એટલો વણસ્યો કે ઉશ્કેરાયેલા શખસોએ કલ્પેશભાઈની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, બંને અજાણ્યા હુમલાખોરોએ કાર ચાલક કલ્પેશભાઈ પટેલને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બનાવ બાદ કલ્પેશભાઈ પટેલે તાત્કાલિક નડિયાદ શહેર પોલીસ સ્ટેશનમાં બંને અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને, જાહેરમાં હુમલો કરી ભય ફેલાવનારા બંને શખસોને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








