VIDEO: Rajkot માં બેફામ ડમ્પરે લીધો વધુ એકનો ભોગ,15 વર્ષના કિશોરનું મોત
રાજકોટ શહેરના મોરબી રોડ ફાટક પાસે ગત રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર ડમ્પર અકસ્માતમાં એ
રાજકોટ શહેરના મોરબી રોડ ફાટક પાસે ગત રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર ડમ્પર અકસ્માતમાં એક કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રાજકોટમાં બેફામ દોડતા ડમ્પરો પર સવાલો ઊભા કર્યા છે.
અકસ્માતમાં અર્જુન પાર્ક પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા વિજય ભીખાભાઈ વાઘેલા (ઉંમર વર્ષ 15)નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં વિજયની બહેન કુંજલ પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતકના પરિજન બેબીબેન વાઘેલાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
અકસ્માતની વિગત
સ્થાનિક લોકોની ચર્ચા મુજબ, ડમ્પરચાલક પીધેલો હોવાની શંકા છે. આ ડમ્પરચાલકે ભાઈ-બહેનને અડફેટમાં લીધા બાદ પણ ડમ્પર રોક્યું ન હતું. અકસ્માત સર્જીને ચાલક ડમ્પરને રોંગ સાઈડમાં દોઢથી બે કિલોમીટર દૂર સુધી ભગાવી ગયો હતો.
અંતે, બેફામ ડમ્પરચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર એક કારને અડફેટે લીધા બાદ એક ટેન્કરમાં ઘૂસી ગયું હતું. ડમ્પરચાલક, જે મૂળ કચ્છના લખગઢનો રહેવાસી રાજેશનાથ કનુનાથ નાથાબાવા છે, તેને પણ અકસ્માત બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં ડમ્પર અકસ્માતોની ઘટનાઓ હવે સામાન્ય બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકો અને મીડિયામાં એવી ચર્ચા છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેફામ દોડતા આ ડમ્પરો પર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ના 'ચાર હાથ અને આશીર્વાદ' છે.
પાંચ દિવસ પહેલા જ કોઠારીયા રોડ પર પણ ડમ્પર અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. થોડા દિવસો અગાઉ જામનગર રોડ પર આવેલા મનહરપુર નજીક એક ડમ્પરે વીજપોલ અને ગરબીનો મંડપ ઉડાડી દીધો હતો.
વારંવાર ડમ્પર ચાલકો દ્વારા અકસ્માત સર્જાવા છતાં રાજકોટ શહેર પોલીસ અને RTO દ્વારા કેમ કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, તે એક મોટો સવાલ છે. તંત્રની આ ચૂપકીદી અને બેદરકારીને કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.








