મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક બાદ કોળી સમાજમાં રોષ, 'અન્યાય' થયો તો દોઢ લાખ લોકો અન્ય પક્ષમાં જોડાશે

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચુવાળીય

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ચુવાળીયા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપમાં લાંબા સમયથી જોડાયેલા હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતા, સમાજે હવે ભાજપ સામે ખુલ્લું બળવો પોકાર્યો છે.

રોષના ભાગરૂપે, આજે રાજકોટમાં ચુવાળીયા કોળી સમાજના આગેવાનોની એક  મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજકોટની 4, મોરબી અને વાંકાનેર એમ કુલ 6 વિધાનસભા બેઠકોના મુખ્ય આગેવાનો હાજર રહેશે. 

40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં અન્યાય: રણછોડ ઉધરેજીયા

આ બેઠક અંગે સમાજના આગેવાન રણછોડ ઉધરેજીયાએ આક્રોશપૂર્વક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "અમે છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છીએ, તેમ છતાં અમને કોઈપણ સારું પદ આપવામાં આવ્યું નથી. ભાજપમાં ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરાઈ છે, પરંતુ ઓબીસીમાં સૌથી વધારે વસ્તી કોળી સમાજની છે, તેમ છતાં અમને પૂરતું સ્થાન મળતું નથી. જ્યાં અમારી વસ્તી સૌથી વધુ છે, ત્યાં પણ અમને ટિકિટ આપવામાં આવતી નથી."

ઉધરેજીયાએ સ્પષ્ટ કર્યું કે તેમની આ લડાઈ કોઈ એક વ્યક્તિ માટે મંત્રીમંડળમાં સ્થાન વધારવાની પ્રેશર ટેકનિક નથી, પરંતુ સમગ્ર સમાજના હક માટે છે.

કોંગ્રેસ સાથે બેઠક, ભાજપને ખુલ્લી ચીમકી

કોળી સમાજે ભાજપ પર દબાણ વધારવા માટે થોડા દિવસો પહેલાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સાથે બેઠક કરી હોવાનું પણ ઉધરેજીયાએ સ્વીકાર્યું હતું. તેમણે આગામી વ્યૂહરચના જણાવતા કહ્યું કે, આજે રાજકોટમાં બેઠક છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં પણ આવી બેઠકો યોજાશે. તેમની મુખ્ય માંગણી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં સમાજને વધુ ટિકિટો આપવામાં આવે.

જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો કોળી સમાજે ભાજપને ખુલ્લી ચીમકી આપી છે કે "આગામી દિવસોમાં દોઢ લાખ લોકો સાથે જે પક્ષ યોગ્ય લાગશે તેમાં જોડાઈ જઈશું." કોળી સમાજના આ આક્રોશને કારણે ભાજપમાં મોટો ઉલટફેર થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો