Video/ Vadodara મનપાએ ખોદેલા ખાડામાં ખાબક્યો યુવક, ગંભીર રીતે ઈજાગ્રસ્ત
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. શહેર
વડોદરા મહાનગરપાલિકા (VMC) ની બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. શહેરના નવાયાર્ડ, લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા લગભગ 15 દિવસ પહેલા ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા ખાડામાં સ્થાનિક યુવાન કલ્પેશ પટેલ પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો છે.
પાલિકાની ધીમી કામગીરીનો ભોગ બન્યો યુવક
રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા કલ્પેશ પટેલને ખાડામાં ખાબકતા જીવલેણ ઇજાઓ પહોંચી છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે, ખાડો પૂરવા કે તેની ફરતે યોગ્ય બેરીકેડિંગ કરવા માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા.
કોર્પોરેટર દ્વારા તંત્ર પર ગંભીર સવાલો
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ બનાવ માટે સીધેસીધું પાલિકા તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે, "પાલિકાના અધિકારીઓની લાપરવાહી અને કામમાં ધીમી ગતિને કારણે આ સમસ્યા સર્જાઈ છે. જો સમયસર કામ પૂરું થયું હોત કે યોગ્ય બેરીકેડિંગ કરાયું હોત તો આજે કલ્પેશ પટેલ હોસ્પિટલના બિછાને ન હોત."
કલ્પેશની માતા સવિતાબેને પણ તંત્રની બેદરકારી અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ મહાનગરપાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.








