Video/ Surendranagarમાં તંત્રની ઘોર બેદરકારી, કેનાલમાં ગાબડું પડ્યાના 36 કલાક છતાં પાણી ચાલુ રહેતા ખેતરો બન્યા બેટ
Video/ 36 hours after a gap in the canal, water continued to flow, fields became swamps | સુરેન્દ્રનગર જિલ્લાના ઝરવલા - સુરજપુરા કેનાલમાં મસમોટું ગાબડું પડવા

સુરેન્દ્રનગર જિલ્લાના ઝરવલા - સુરજપુરા કેનાલમાં મસમોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે ગાબડું પડ્યાને 36 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું નથી. તંત્રની આ આળસને કારણે હજારો લીટર પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું છે અને લીલાછમ ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે.
ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં ડૂબ્યો
અત્યારે શિયાળુ પાકની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને જીરું, ઘઉં, વરિયાળી અને ચણા જેવા કિંમતી પાકોનું વાવેતર કર્યું હતું. જોકે, કેનાલના ગાબડામાંથી વહેતા પાણીએ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અધિકારીઓની 'ગેરહાજરી'થી રોષ
ખેડૂતોનો આક્ષેપ છે કે ગાબડું પડ્યું હોવાની જાણ કરવા છતાં હજુ સુધી એક પણ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ કરવા પણ આવ્યા નથી. કેનાલ બંધ કરી તેનું તાત્કાલિક રિપેરિંગ કરવાને બદલે તંત્ર મૌન સેવીને બેઠું છે. તંત્રની આ ઉદાસીનતાને કારણે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે.
ખેતી પાછળનો ખર્ચ પણ 'પાણીમાં'
મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું, તે હવે સંપૂર્ણપણે નાશ પામે તેવી સ્થિતિમાં છે. ખેડૂતોની માંગ છે કે, કેનાલનું પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે. કેનાલનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ થાય. નુકસાન પામેલા પાકનું સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.








