VIDEO: વડોદરામાં કાળમુખા વાહનોનો કહેર: એક જ કલાકમાં 2 માસૂમ બાળકોનાં કરુણ મોત, પાલિકાના તંત્ર સામે ઉઠ્યા સવાલ
VIDEO: સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં આજે અકસ્માતોની એક એવી હારમાળા સર્જાઈ કે જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. માત્ર એક જ કલાકના ગાળામાં બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં બે માસૂમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પાલિકાના વાહનોની બેદરકારી અને માર્ગો પરની અંધાધૂંધી ફરી એકવાર નિર્દોષો માટે જીવલેણ સાબિત થઈ છે.
પહેલી ઘટના
કારેલીબાગમાં ટેન્કરે માસૂમને કચડ્યો
વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે વડોદરા ફાયર સર્વિસ (VFS)ના એક ટેન્કરે રિવર્સ લેતી વખતે ગંભીર બેદરકારી દાખવી હતી. અહીં રહેતા એક શ્રમજીવી પરિવારનો આશરે 9 વર્ષનો બાળક ટેન્કરની અડફેટે આવી ગયો હતો. કમનસીબી એવી હતી કે ટેન્કરનું ટાયર બાળકના માથા પર ફરી વળતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા જ વડસર બ્રિજ પાસે પાલિકાના ડમ્પરે એક સાયકલ સવારનો જીવ લીધો હતો, છતાં તંત્ર જાગ્યું નથી.
બીજી ઘટના
સ્કૂલે જતી બાળકી બની અકસ્માતનો ભોગ
બીજો બનાવ શહેરના માણેજા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં બે કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ એક બાઈક સવાર અડફેટે આવી ગયા હતા. આ બાઈક પર 7 વર્ષની માસૂમ બાળકી જીયા સોલંકી તેના પિતા સાથે સ્કૂલે જઈ રહી હતી. અકસ્માતમાં જીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન આ ફૂલ જેવી બાળકીએ દમ તોડી દીધો હતો. પિતાની નજર સામે જ દીકરીનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
વડોદરામાં વારંવાર બનતી આ ઘટનાઓ પાલિકાના ડ્રાઈવરોની તાલીમ અને ટ્રાફિક નિયમોના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. આ બંને માસૂમોના પરિવારો માટે આ સ્થિતિ અત્યંત આઘાતજનક છે.

