રામ મંદિરની સુરક્ષામાં ચૂક, કેમેરાવાળા ચશ્મા પહેરી ઘુસી ગયો વડોદરાનો વેપારી, મંદિર પરિસરમાં હડકંપ
અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતા

અયોધ્યાના રામ મંદિરની સુરક્ષા ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાના ચશ્મામાં લગાવેલા કેમેરામાં છાનામાના અંદરની તસવીરો કેદ કરી રહ્યો હતો. તેણે તમામ સુરક્ષા બેરિયર પાર કરી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. જેવું જ એક સુરક્ષાકર્મીની નજર તેની ઉપર પડી, તુરંત તેની અટકાયત કરી લેવામાં આવી હતી. ગુપ્ત એજન્સી દ્વારા હાલ આરોપી યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ભંગ પડવાથી લોકોમાં હડકંપ મચી ગયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સોમવારે (6 જાન્યુઆરી) ગુજરાતનો વડોદરાનો રહેવાસી જયકુમાર જાની પત્ની સાથે રામલલાના દર્શન માટે પહોંચ્યો હતો. તેણે કેમેરાવાળા ચશ્મા પહેરેલા હતાં. તમામ ચેકિંગ પોઇન્ટ પર તૈનાત સુરક્ષાકર્મીઓને તેના પર શંકા ન થઈ અને તે છેક મંદિરની અંદર પહોંચી ગયો. મંદિરમાં પહોંચતા તે પરિસરમાં ફોટો ક્લિક કરવા લાગ્યો. તેણે જે ચશ્મા પહેર્યા હતાં, તેની ફ્રેમની બંને કિનારીએ કેમેરા લગાવેલા હતાં. જેનાથી ખૂબ જ સરળતાથી ફોટો ક્લિક કરી શકાય.
ચશ્માની કિંમત 50 હજાર
ફોટો ક્લિક કરવા માટે બટન દબાવતા જ ચશ્મામાં લાઇટ થતી હતી. આ દરમિયાન એએએફના વૉચર અનુરાગ બાજપેયીની નજર જયકુમાર પર પડી. તેણે પોલીસને આ વિશે જાણ કરી. ત્યારબાદ જાણ થઈ કે, યુવક છાનામાના ચશ્મામાં લાગેલા કેમેરાથી ફોટો ક્લિક કરી રહ્યો હતો. નોંધનીય છે કે, પોલીસ તપાસ દરમિયાન યુવકનો કોઈ ગુનાહિત ઈતિહાસ સામે નથી આવ્યો. યુવક વડોદરાનો વેપારી છે. યુવકના ચશ્માની કિંમત 50 હજાર જણાવવામાં આવી રહી છે. પૂછપરછ બાદ તેને છોડી દીધો હતો.
સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં સુરક્ષા વ્યવસ્થા
જણાવી દઈએ કે, રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકારની સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના હાથમાં છે. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને એસપીના ઓલરાઉન્ડર જવાન સામેલ છે. આ પહેલાં સીઆરપીએફની છ બટાલિયન અને પીએસની 12 કંપની રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું કામ સંભાળતી હતી. હાલ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક કેવી રીતે થઈ, તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.








